વડોદરા જિલ્લાના 8 તાલુકામાંથી માત્ર 3 તાલુકામાં જ શ્રેષ્ઠ શિક્ષક મળ્યા !
વડોદરાઃ વડોદરા જિલ્લાના આઠ તાલુકામાંથી માત્ર ત્રણ જ તાલુકામાં શ્રેષ્ઠ
શિક્ષકના માત્ર ત્રણ તાલુકામાંથી ચાર નામો જ મળતાં ચર્ચાનો વિષય બન્યો છે.
તા.૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા અને તાલુકા
કક્ષાએથી શ્રેષ્ઠ શિક્ષકના નામની પસંદગી કરવામાં આવતી હોય છે.જે માટે રાજ્ય
સરકારની સૂચનાઓને શાળાઓમાં મોકલવામાં આવતી હોય છે.શિક્ષકોએ નિયત ફોર્મમાં ૧૫વર્ષની
કામગીરીનો ઉલ્લેખ કરી તેના પુરાવા મુકવાના હોય છે.તાલુકા કક્ષાએ તેમને પારિતોષિક
અને ધનરાશી આપવામાં આવતી હોય છે.જ્યારે જિલ્લા કક્ષાએ પણ આવી રીતે જ સન્માન
કરવામાં આવે છે.
વડોદરા જિલ્લાના આઠ તાલુકામાંથી તાલુકા દીઠ એક શિક્ષક ગણીએ તો
આઠ શિક્ષકના નામો પસંદ થવા જોઇએ.પરંતુ વડોદરા તાલુકામાંથી ૨ તેમજ પાદરા અને સાવલી
તાલુકામાંથી એક-એક શિક્ષકના જ શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામ પસંદ કરવામાં આવ્યા
છે.બાકીના પાંચ તાલુકામાંથી એક પણ શિક્ષકનું નામ નહિ આવતાં શૈક્ષણિક વર્તુળોમાં
ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ,સારી કામગીરી કરતા શિક્ષકોને નજર અંદાજ કરવામાં
આવતા હોવાથી તેઓ પોતે જ પસંદગી
પ્રક્રિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે.