Get The App

વડોદરા જિલ્લામાં 1409 આંગણવાડીમાંથી 311 જર્જરિતઃ324 માં પાણી ટપકે છેઃ116માં પૂરના પાણી આવી જાય છે

બાળકોની સુરક્ષા સામે સવાલ,નવી આંગણવાડીઓની મંજૂરી આપવામાં પણ વિલંબ

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં 1409 આંગણવાડીમાંથી 311 જર્જરિતઃ324 માં પાણી ટપકે છેઃ116માં પૂરના પાણી આવી જાય છે 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સ્કૂલે જવાની ઉંમરથી નાના બાળકો માટે ચલાવવામાં આવતી આંગણવાડીઓની હાલત દયનિય છે તેમજ અનેક આંગણવાડીઓમાં બાળકોની સલામતી જોખમાય તેવો માહોલ છે.

વડોદરા જિલ્લામાં સરકારની સહાયથી આંગણવાડી કાર્યકરો દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીઓમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાાન,પોષણક્ષમ આહાર,આરોગ્ય જેવી સવલતો આપવામાં આવે છે.આંગણવાડી કાર્યકરો દ્વારા સરકાર ઓછો  પગાર આપતી હોવાનો આક્ષેપ કરી ભૂતકાળમાં વારંવાર આંદોલન પણ કરવામાં આવ્યા હતા.જેથી હાલમાં કાર્યકરને રૃ.૧૦ હજાર અને તેડાઘરને રૃ.૫૫૦૦ વેતન આપવામાં આવે છે.

જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત આંગણવાડીઓમાં અનેક આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે અને તેને કારણે ગમે ત્યારે બાળકની સુરક્ષા જોખમાય તેવી દહેશત વર્તાઇ રહી છે.તાજેતરમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એમ આઇ પટેલે પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી વિગતો માંગી હતી.

વડોદરા જિલ્લામાં કુલ ૧૪૦૯ આંગણવાડીઓ આવેલી છે.જે પૈકી ૩૧૧ આંગણવાડી જર્જરિત હોવાનું સત્તાધીશો સ્વીકારી રહ્યા છે.૩૨૪ આંગણવાડી એવી છે જેમાં પાણી ટપકી રહ્યું છે.તો ૧૧૬ આંગણવાડી એવી છે જેમાં પૂર આવતાં જ પાણી ભરાઇ જતા હોય છે.આમ,સરકારની આંગણવાડીઓ પ્રત્યે બેદરકારીને કારણે બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.

205 નવી આંગણવાડીઓ માટે મંજૂરીની લાંબા સમયથી રાહ જોવાઇ રહીછે

વડોદરા જિલ્લામાં નવી આંગણવાડીઓ  બનાવવા માટે સરકારની મંજૂરી માટે લાંબી ઝંઝાળ હોવાથી કામ વિલંબમાં પડે છે.

પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરા જિલ્લાની આઇસીડીએસ શાખા દ્વારા રાજ્ય સરકારને ૨૦૫ આંગણવાડીઓ બનાવવા માટે દરખાસ્ત મોકલી છે.જેની મંજૂરીમાં વિલંબ થવાથી કામ અટવાયું છે.

આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતે પણ ૧૦૬ આંગણવાડી બનાવવા માટેના કામને મંજૂરી આપી છે.પરંતુ આ કામ ક્યારે શરૃ થાય છે તે જોવું રહ્યું.

189 આંગણવાડીઓ ખાનગી ભાડાના મકાનોમાં ચલાવવામાં આવે છે

વડોદરા જિલ્લામાં અનેક આંગણવાડીઓ એવી છે જેમની પાસે પોતાના મકાનો પણ નથી.

પંચાયતના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૧૮૯ આંગણવાડીઓ ખાનગી ભાડાના મકાનોમાં ચલાવવામાં આવી રહી છે.જેનું ભાડું અલગ અલગ થાય છે.

કેટલાક સ્થળોએ કોમ્યુનિટી હોલ, પ્રાથમિક સ્કૂલ અને પંચાયત ઘરમાં પણ આંગણવાડી ચલાવવામાં આવે છે.


Google NewsGoogle News