અટલ બ્રિજ પર બસ બંધ પડી જવાથી અન્ય વાહનચાલકો અટવાયા
આજવા રોડ અને વારસિયા રીંગ રોડ પર પણ મીની બસ ફસાઇ ગઇ
વડોદરા,શહેરમાં બુધવારે પડેલા વરસાદના કારણે ઠેર - ઠેર જળબંબાકાર સર્જાયો હતો. વરસાદના પાણી એટલા બધા ભરાઇ ગયા હતા કે, બસ પણ બંધ પડી ગઇ હતી. બંધ પડેલા વાહનોમાં પાણી ભરાઇ જવાના કારણે બીજે દિવસે પણ રોડ પર જ પડી રહ્યા હતા.
બુધવારે શહેરમાં પડેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે ટુ વ્હીલર તો ઠીક બસ જેવા મોટા વાહનો પણ પાણી ભરાઇ જવાના કારણે બંધ પડી ગયા હતા. આજવા રોડ પરિવાર સ્કૂલ ચાર રસ્તા પાસે પણ કોલેજની એક બસ પાણી ભરાતા બંધ પડી ગઇ હતી. ચાર રસ્તા પર જ બસ બંધ થઇ જતા અન્ય વાહન ચાલકો પણ અટવાયા હતા. બીજે દિવસે બપોર સુધી બસ ત્યાં જ પડી રહી હતી. કંપનીની એક બસ વારસિયા રીંગ રોડ પર રસ્તા વચ્ચે બંધ પડી ગઇ હતી. તે બસ પણ ગુરૃવારે સાંજ સુધી ત્યાં જ પડી રહી હતી. એક બસ અટલ બ્રિજ પર બંધ પડી ગઇ હતી. બ્રિજ પર જ બસ બંધ પડવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. બીજે દિવસે બપોર સુધી બસ ત્યાંથી હટાવાઇ નહતી. જેના કારણે અન્ય વાહન ચાલકો અટવાયા હતા.