૭૩ અનાથ વિદ્યાર્થીઓ પણ વડોદરામાં બોર્ડ પરીક્ષા આપશે
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તા.૧૧ માર્ચ, સોમવારથી પરીક્ષા શરુ થશે.વડોદરામાંથી ૭૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આપશે અને તેમાં માતા પિતાનો સહારો ના હોય તેવા ૭૩ અનાથ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
બીજા વિદ્યાર્થીઓ પાસે પરિવારની હૂંફ છે ત્યારે આ વિદ્યાર્થીઓ સરકારની અને સ્વૈચ્છિક સંસ્થાઓના આઠ શેલ્ટર હોમમાં રહે છે અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.આ વિદ્યાર્થીઓને ડીઈઓ કચેરી દ્વારા આજે તેમના શેલ્ટર હોમમાં જઈને પરીક્ષાની કિટ પૂરી પાડવામાં આવી હતી.
ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યુ હતુ કે, ડીઈઓ કચેરીના અધિકારીઓએ આ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાની તૈયારીને લગતી ચર્ચા કરી હતી.આ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પરીક્ષા દરમિયાન રોજ જે તે વિષયના નિષ્ણાત શિક્ષકોને મોકલવામાં આવશે.તેઓ આ વિદ્યાર્થીઓને આગલા દિવસે લેવાનારા પેપર માટે બે કલાક સુધી તૈયારી કરાવશે.જેથી આ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ઉજળો દેખાવ કરી શકે.
અનાથ બાળકોને પરીક્ષા માટે ડીઈઓ કચેરી દ્વારા મદદ કરવામાં આવી હોય તેવુ પહેલી વખત બન્યુ છે.