ખંભાતથી વડોદરા આવતી મહિલાના દાગીના ચોરાયા,રિક્ષામાં બેઠેલા મુસાફર પર શંકા
વડોદરાઃ બસમાં વડોદરા આવતી એક સિનિયર સિટિઝન મહિલાના થેલામાંથી દાગીનાની ઉઠાંતરી થતાં હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.
હરણીના રાજેશ્વર ગોલ્ડ ખાતે રહેતા મૂળ બોરસદના વતની અલકાબેન ઠક્કરે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે હું બસમાં ખંભાતથી વડોદરા આવી રહી હતી ત્યારે મારી પાસે એક મહિલા બેઠી હતી જે રણોલી ઉતરી હતી.ત્યારબાદ હું છાણી આવી હતી અને સ્પેશિયલ રિક્ષા કરી ઘેર ગઇ હતી.
મેં અલગ રિક્ષા કરી હોવા છતાં એક મુસાફર બેઠો હતો.જેથી મેં રિક્ષાચાલકને પૂછતાં તેણે આ મારો માણસ છે તેમ કહ્યું હતું.ઘેર આવી ત્યારે મારા થેલો ચેક કરતાં અંદર મુકેલા પર્સમાંથી દોઢ તોલાની ઘડિયાળ,બે તોલાની કંઠી,એક તોલાની દસ બુટ્ટી મળી દોઢ લાખ ઉપરાંતની મત્તા અને મહત્વના દસ્તાવેજોની ચોરી થઇ હોવાનું જણાઇ આવ્યું હતું.