આર્ટસમાં વિદ્યાર્થીઓનુ ઓરિએન્ટેશન યોજાયું, એમમકોમનું શિક્ષણ તા.૩૦ જુલાઈથી શરુ થશે
વડોદરાઃ વડોદરામાં વરસાદ અને પૂરની સ્થિતિ ઘણા ખરા અંશે થાળે પડી રહી છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં આજે શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચલાવાયુ હતુ.આર્ટસ ફેકલ્ટીમાં આજે એફવાયના વિદ્યાર્થીઓનુ ઓરિએન્ટેશન યોજાયુ હતુ.જેમાં લગભગ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જોકે આજે અને આવતીકાલે યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.આ પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરાશે.
કોમર્સ ફેકલ્ટીમાં પણ સત્તાધીએ તા.૩૦ જુલાઈથી એમકોમના પહેલા વર્ષનુ શિક્ષણકાર્ય શરુ કરવાની જાહેરાત કરી છે.આ વિદ્યાર્થીઓનુ ઓરિએન્ટેશન તા.૨૯ના રોજ યોજાશે.એકાઉન્ટ, કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનુ ઓરિએન્ટેશન સવારે ૯-૨૦ વાગ્યાથી અને બેન્કિંગ-ઈન્સ્યોરન્સ, બિઝનેસ ઈકોનોમિક્સ, કો ઓપરેશન મેનેજમેન્ટ એન્ડ રુરલ સ્ટડીઝનુ બપોરે ૧૨ વાગ્યાથી અને એમકોમ જનરલના વિદ્યાર્થીઓનુ ઓરિએન્ટેશન સવારે ૯-૨૦ વાગ્યાથી શરુ થશે.
આજે વરસાદનો દિવસભર વિરામ રહ્યો હતો અને જો આ જ સ્થિતિ રાત્રે યથાવત રહી તો આવતીકાલ, શનિવારથી સ્કૂલો, એમ.એસ.યુનિવર્સિટી અને ખાનગી કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી રાબેતા મુજબ શરુ થશે.
ઉલ્લેખનીય છે કે, ડીઈઓ કચેરીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો ચાલુ નહીં રાખવાની અને જે વિસ્તારમાં પાણી ના ભરાયા હોય અને પૂરની સ્થિતિ ના હોય તેવા વિસ્તારોમાં સ્કૂલો ચાલુ રાખવાની સૂચના આપતો પરિપત્ર કર્યો હતો.જોકે મોટાભાગની સ્કૂલોએ આજે જોખમ લેવાનુ ટાળીને સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખ્યુ હતુ.