પીએમના કાર્યક્રમના સુશોભન માટેના ફૂલોમાંથી ઓર્ગેનિક ખાતર બનાવાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના યુસીડી પ્રોજેક્ટ ની વિવિધ કામગીરી ચાલી રહી છે, તેમાં સખી મંડળો પણ જોડાયા છે. સખી મંડળની બહેનોને શાકભાજીના વેસ્ટ માંથી બેસ્ટ ના અભિગમ હેઠળ ખાતર બનાવવાની તાલીમ પણ અપાઈ છે. જે પૈકી એક સખી મંડળ દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મસિયા તળાવ ખાતે ફૂલમાંથી ખાતર બનાવવાનું ચાલુ કર્યું છે. તાજેતરમાં વડોદરા આવેલા ભારત અને સ્પેનના વડાપ્રધાનના સ્વાગત માટે ઠેર ઠેર ફૂલોના હાર અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ આ ફૂલોને એકત્રિત કરવામાં આવ્યા છે. જેનું વજન આશરે 6 હજાર કિલો થાય છે. વડોદરા કોર્પોરેશને આ ફૂલોમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાનું નક્કી કરતા એક સખી મંડળને ફૂલોનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ત્રણ ગાડીઓ માં ફૂલોનો જથ્થો ભરીને મસિયા તળાવ ખાતે પહોંચાડ્યો હતો. જ્યાં લાકડાના ત્રણ મોટા બોક્સ મૂકવામાં આવ્યા છે. આ બોક્સમાં ફૂલોની સાથે સૂકા પાંદડા વગેરેનો સુકો કચરો ભરવામાં આવ્યો છે, એટલે કે બોક્સમાં એક થર ફુલ નો અને બીજો થર સૂકા પાનનો એ રીતે ખાતર બનાવવાની પ્રોસેસ કરવામાં આવે છે. આ ખાતર 45 દિવસે તૈયાર થાય છે. જે દરમિયાન અમુક દિવસે લાકડાના બોક્સમાં ફૂલો ઉપર નીચે કરવામાં આવે છે .6000 કિલો ફૂલોમાંથી 200 થી 300 કિલો જેટલું ઓર્ગેનિક ખાતર તૈયાર થશે .જે કામ આ સખી મંડળ કરી રહી છે, તે ખંડેરાવ માર્કેટમાંથી શાકભાજીનો વેસ્ટ પણ એકત્રિત કરીને તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવે છે .યુસીડી પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ વિવિધ કામગીરી પૈકી મહિલાઓ માટે સ્વરોજગાર કાર્યક્રમ ચલાવવામાં આવે છે .જેમાં સખી મંડળની બહેનોને ખાતર બનાવવાની તાલીમ અપાવી પગભર કરાવવામાં આવે છે. હજુ તાજેતરમાં ગણેશ વિસર્જન દરમિયાન કોર્પોરેશનના કૃત્રિમ તળાવમાં વિસર્જન વિધિ પૂરી થયા પછી ફૂલોનો 25 ટન કચરો બહાર કાઢ્યો હતો .જેમાંથી બાયો કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવ્યું હતું.