વડોદરાની સેન્ટ્રલ જેલમાં રોજ પેદા થતાં સૂકા અને ભીના કચરામાંથી ઓર્ગેનિક કમ્પોસ્ટ ખાતર બનાવાશે
- જેલમાં દર મહિને આશરે 21 ટન ફૂડ વેસ્ટ નીકળે છે
- ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ મશીનની ક્ષમતા 24 કલાકમાં એક ટન ખાતર બનાવવાની છે
- ખાતર જેલમાં થતા ખેતી કામમાં ઉપયોગમાં લેવાશે
- ફુડ વેસ્ટનો ખાતર બનાવવામાં ઉપયોગ થતા વાંદરાઓનો ત્રાસ ઘટશે
વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા સેન્ટ્રલ જેલ હવે ઝીરો વેસ્ટ જેલ બની જશે. સેન્ટ્રલ જેલમાં રોજ પેદા થતાં સૂકા અને ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવશે. સેન્ટ્રલ જેલ આસપાસ વર્ષોથી વાંદરાઓનો ત્રાસ છે, જેનો ઉકેલ સેન્ટ્રલ જેલ સત્તાધીશો એ શોધી કાઢ્યો છે. જેમાં સેન્ટ્રલ જેલમાંથી પેદા થતાં કચરાને જેલ પરિસરમાં ફેંકવામાં નહીં આવે. સૂકા અને ભીના કચરાને ઓર્ગેનિક કમ્પોસ્ટમાં પરિવર્તિત કરવામાં આવશે. સેન્ટ્રલ જેલનું પોતાનું વિશાળ પ્રાંગણ છે. પુષ્કળ વૃક્ષો છે. કેદીઓ જેલની અંદર કૃષિ પ્રવૃત્તિ પણ કરે છે. જેલમાં આશરે 1800 કેદીઓને દિવસમાં બે વખત ભોજન અપાય છે. આ ભોજનનો પ્રતિદિન 600 થી 800 કિલો ફુડ વેસ્ટ પેદા થાય છે, એટલે કે મહિને આશરે 21 ટન ફુડ વેસ્ટ નીકળે છે. જેમાંથી કેટલાકનો મ્યુનિસિપલ વેસ્ટ તરીકે જ્યારે બાકીનો જેલ પરિસરમાં નિકાલ કરવામાં આવે છે. જેલ પરિસર આસપાસ વાંદરાઓની સંખ્યા પુષ્કળ હોવાથી વાંદરાઓને ખોરાક સરળતાથી મળી રહે છે. જેથી ધીમે ધીમે વાંદરાઓની સંખ્યા પણ વધતી ગઈ છે, જે બાદમાં ત્રાસરૂપ થઈ પડી છે. વાંદરાઓ છાપરા પર કૂદા કૂદ કરીને છાપરાઓને નુકસાન પહોંચાડે છે, પરંતુ હવે આ ફુડ વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું નક્કી થતાં ખોરાક મળતો થતા વાંદરાઓનો ત્રાસ ઓછો થશે. ઇલેક્ટ્રોનિક કમ્પોસ્ટ બનાવતું મશીન આશરે 8 લાખની કિંમતનું છે, અને તેની ક્ષમતા 24 કલાકમાં એક ટન ઓર્ગેનિક કમ્પોસ્ટ બનાવવાની છે. મશીન દ્વારા માત્ર ભીના કચરામાંથી જ નહીં પરંતુ ઝાડના પાન સહિતના સૂકા કચરામાંથી પણ કમ્પોસ્ટ બનાવી શકાશે.
સેન્ટ્રલ જેલમાં યોજાયેલા એક કાર્યક્રમ અંતર્ગત ઓર્ગેનિગ વેસ્ટ કમ્પોસ્ટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીનમાં ફૂડ વેસ્ટ, સૂકા પાંદડા, શાકભાજીના શેષ પદાર્થો માંથી ચોવીસ કલાકની પ્રક્રિયા બાદ ડ્રાય કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય તે રીતે આ મશીનની રચના કરવામાં આવી છે. આ મશીન દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ ખાતરને જેલમાં થતાં ખેતીકામ તેમજ જેલ હસ્તકની દંતેશ્વર ઓપન જેલ ખાતે ખેતીકામ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ મશીનનો પાવર વપરાશ ખૂબ જ નહીવત્ હોવાથી ઓછું ખર્ચાળ પણ છે.