ચાર દિવસમાં ૩૬૦૦ કિલો લીલા કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવ્યું
પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા બોટલ ક્રશર મૂક્યું; લોકો રોજ જાતે બોટલો ક્રશ કરે છે
વડોદરા,૩૬મી નેશનલ ગેમ્સની વડોદરામાં જિમ્નેસ્ટિક સ્પર્ધાઓ સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ચાલી રહી છે, અહીં રોજ નીકળતા લીલા કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશને અહીં ખાતર બનાવવા વ્યવસ્થા ઊભી કરી છે. પહેલા ચાર દિવસમાં ૩૬૦૦ કિગ્રા લીલા કચરાનું સેન્દ્રીય ખાતરમાં રૃપાંતર કરાયું છે.
વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં હાલમાં ૩૬મી નેશનલ ગેમ્સની જિમ્નેસ્ટિક સ્પર્ધાઓ ચાલી રહી છે. વિવિધ રાજ્યોના ૧૭૮ જેટલા ખેલાડીઓ, રેફરી, દર્શકો વગેરે મળીને ૫૦૦થી વધુ લોકો આ સ્થળે દૈનિક ઉપસ્થિત રહે છે. ખેલાડીઓ માટે ભોજન માટે કિચન પણ છે. જેથી આ સ્થળે સૂકા લીલા કચરા અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરીને સ્થળને સ્વચ્છ રાખવું અનિવાર્ય હતું.
વડોદરા મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના એન્જિનિયરે આ અંગે જણાવ્યું છે કે ભીના કે લીલા કચરાના નિકાલ માટે સ્થળે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર લગાવ્યું છે. જે દૈનિક ૯૦૦ કિગ્રા કચરાનું ખાતરમાં રૃપાંતર કરે છે. અત્યાર સુધીમાં ૩૬૦૦ કિલો ખાતર બનાવ્યું છે. આ ખાતર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઓથોરિટી પોતાના ઉપયોગ માટે રાખી શકે છે અને વધારાનું ખાતર પાલિકાની ઉદ્યાન શાખામાં આપીશું. આ ઉપરાંત લોકો જાતે પ્લાસ્ટિક બોટલોનો નિકાલ કરે એ માટે બોટલ ક્રશર પ્લાન્ટ લગાવ્યો છે. જેમાં દૈનિક ૧૨૦ બોટલો લોકો સ્વેચ્છાએ ક્રશિંગ માટે નાંખી રહ્યા છે. આ સ્થળેથી દૈનિક ૩૫૦૦ જેટલી વપરાયેલી પ્લાસ્ટિક બોટલ એકત્ર કરીને અટલાદરા રિસાયક્લિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવી રહી છે. દૈનિક ૩૫ કિગ્રા જેટલો અન્ય સુકો કચરો ભેગો કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે.