સંજુ ભારંભેનો કેસ પાદરા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો હુકમ
અન્ય આરોપી તરીકે દર્શાવાયેલા મહિલા મામલતદારનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું
વડોદરા,તત્કાલીન મામલતદાર અંશુ શ્રીવાસ્તવ અને બિલ્ડર સંજુ ભારંભે સામે વર્ષ - ૨૦૧૩માં પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં એસીબીની કલમ હેઠળ ચાર્જ ફ્રેમ થયો નહીં હોવાથી તે કેસ પાદરા કોર્ટમાં ટ્રાયલ માટે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.
વર્ષ - ૨૦૧૩ માં પાદરા પોલીસ સ્ટેશનમાં તત્કાલીન મામલતદાર અંશુ શ્રીવાસ્તવ, બિલ્ડર સંજુ ભારંભે સામે ખંડણી, વિશ્વાસઘાત, છેતરપિંડી, બોગસ દસ્તાવેજ હેઠળ ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન એ.સી.બી.ની કલમનો ઉમેરો થયો હતો. તપાસ અધિકારીએ તા. ૦૪ - ૦૫- ૨૦૧૩ ના રોજ સંજુ ભારંભે તથા અંશુ શ્રીવાસ્તવ સામે એસીબીની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. દરમિયાન અંશુ શ્રીવાસ્તવનું મૃત્યુ થતા તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં અકરમ સિન્ધી સામે પુરવણી ચાર્જશીટ થઇ હતી. આ કેસમાં એસીબીની કલમ હેઠળ ચાર્જ ફ્રેમ થયો નહીં હોવાથી આ કેસ પાદરાની જે.એમ.એફ.સી. કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.