Get The App

૧૦ વર્ષથી વધુ ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટા કરવાનો આદેશ

પાંચ અને ત્રણ વર્ષથી ફરજ બજાવતા જવાનોને પણ તબક્કાવાર છૂટા કરાશે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News

 ૧૦ વર્ષથી વધુ ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટા કરવાનો આદેશ 1 - imageવડોદરા,શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસનો સ્ટાફ ઓછો  પડતા ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવી હતી. પોલીસની સાથે ખડે પગે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટા કરવાનો આદેશ આવતા જવાનોમાં નારાજગી વ્યાપી છે. અને આ અંગે વીટીઇટીના અધિકારીને આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ વડા દ્વારા લાભપાંચમના દિવસે જ એક પત્ર લખી ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવતા જવાનોને છૂટા કરવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં અંદાજે ૯ હજાર ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે. જે  પૈકી ૧,૧૦૦ જવાનો છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેઓને આગામી ૩૦મી નવેમ્બરે છૂટા કરવા, પાંચ વર્ષથી ફરજ બજાવતા ત્રણ હજાર જવાનોને ૩૧મી ડિસેમ્બરે તથા ૨,૩૦૦ જવાનોને આગામી ૩૧મી એપ્રિલે છૂટા કરવા માટેનો ઓર્ડર  કરવામાં આવ્યો  છે. જેના પગલે પાંચ મહિનામાં રાજ્યમાં ૬,૪૦૦ યુવાનો બેરોજગાર બનશે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં અંદાજે ૮૯૩ ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે. તે પૈકી ૧૭ જવાનો ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે. તેઓને આગામી ૩૦મી નવેમ્બરે છૂટા કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો કરતા બમણી સંખ્યામાં ટ્રાફિક બ્રિગેડના  જવાનો ફરજ બજાવી રહ્યા છે. તેમછતાંય ઘણી વખત ટ્રાફિક નિયમન કરવાનું અઘરૃં બની જાય છે. તેવી પરિસ્થિતિમાં જ્યારે ટ્રાફિક બ્રિગેડના જવાનોની સંખ્યા ઘટશે ત્યારે હાલત વધારે ખરાબ થશે. આ અંગે આજરોજ શહેરમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ વિરોધ વ્યક્ત કરતું આવેદન પત્ર આપ્યું હતું.


Google NewsGoogle News