કલોલના કોલેરાગ્રસ્ત વિસ્તાર તથા અન્ય સોસાયટીમાં સર્વે ચાલુ જ રાખવા આદેશ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
કલોલના કોલેરાગ્રસ્ત વિસ્તાર તથા અન્ય સોસાયટીમાં સર્વે ચાલુ જ રાખવા આદેશ 1 - image


કેસમાં સુખદ ઘટાડો છતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા

પાણીની લાઇનમાં લીકેજ શોધવા અને રીપેર કરવા નગરપાલિકાની ટીમને સતત પેટ્રોલીંગ કરવા સૂચના

ગાંધીનગર: કલોલમાં પાણીજન્ય રોગચાળો કોલેરા હોવાનું આખરે ખ્યાલ આવ્યા બાદ આરોગ્ય સહિત વહિવટી અને સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થઇ ગયું છે. હાલની સ્થિતિએ ઝાડા ઉલ્ટી સહિત અન્ય લક્ષણોના દર્દીઓની સંખ્યામાં સુખદ ઘટાડો આવ્યો છે તેમ છતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોગ્ય તંત્રને આ અસરગ્રસ્ત વિસ્તાર ઉપરાંત આસપાસની સોસાયટીઓમાં પણ સર્વેલન્સ તથા ઓઆરઓસ-ક્લોરીનની ટેબલેટ વિતરણની કામગીરી સતત ચાલુ રાખવા માટે સુચના આવી છે.

કલોલમાં પાણીજન્ય રોગચાળો હવે કોઇ નવી વાત રહી નથી છેલ્લા ત્રણ વર્ષમાં પાંચથી સાત વખત કમળો, ટાઇફોઇડ,ઝાડા ઉલ્ટી તથા કોલેરાનો રોગચાળો ફાટી નિકળ્યો છે ત્યારે ચૂંટણી પહેલા જ આ રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્રની સાથે વહિવટી તંત્ર પણ ખુબ જ ચિંતામાં મુકાઇ ગયું છે.ગઇકાલે આ ઝાડા ઉલ્ટીનો રોગચાળો કોલેરાનો હાવનું માલુમ પડતા તાબડતોડ ત્રિકમનગરથી બે કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને જરૃરી તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકીર એક.કે.મોદી દ્વારા આ ત્રિકમનગર સહિત અસરગ્રસ્ત વિસ્તારની,કોલેરા પોઝિટિવ આવેલા દર્દીના ઘરની તથા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇને મળતી સેવા-સારવાર અંગે દર્દીઓ-સ્થાનિકોની પુચ્છા કરી હતી. આ સાથે ભલે કેસમાં ઘટોડા થયો પરંતુ સર્વેની કામગીરી આ અસરગ્રસ્ત વિસ્તાર ઉપરાંત આસપાસની સોસાયટીઓમાં પણ સઘન બનાવવા માટે તેમણે સુચના આપી હતી. એટલુ જ નહીં, કલોલમાં પાણીની લાઇનમાં ભંગાણ કે લીકેજ શોધવા તથા તેને રીપેર કરવા માટે ખાસ ટીમો બનાવવા અને તેમના દ્વારા સતત પેટ્રોલીંગ કરવા માટેના આદેશ પણ પાલિકાને આપ્યા છે. જો કે, પાલિકા આ આદેશ માને છે કે નહીં તે તો જોવુ રહ્યું.ઉલ્લેખનીય છે કે, હાલ ૪૦થી વધુ ટીમોના ૧૨૦થી વધુ હેલ્થ કર્મીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. 


Google NewsGoogle News