ટોટલ લોસના કિસ્સામાં કાર માલિકોને રિપેરિંગનો વિકલ્પ પણ આપવામાં આવે
વડોદરાઃ વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરમાં એક તબક્કે શહેરનો ૫૦ ટકા વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો.પૂરના પાણીના કારણે ૧૦૦૦૦ જેટલી કારોને નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
વીમા કંપનીઓ સમક્ષ લોકો ક્લેમ મૂકી રહયા છે.આવા સંજોગોમાં ઈન્સ્યોરન્સ કંપનીઓ આ કાર માલિકોને ટોટલ લોસની સાથે સાથે રિપેરિંગનો વિકલ્પ પણ આપે તેવી માંગણી થઈ રહી છે.
મળતી વિગતો પ્રમાણે ઈન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગૃહ રાજ્ય મંત્રીએ પહેલી બેઠક યોજી હતી અને એ પછી તા.૪ સપ્ટેમ્બર, બુધવારના રોજ શહેર ભાજપ દ્વારા ઈન્સ્યોરન્સ કંપનીઓના અધિકારીઓ, સર્વેયરો અને શહેરના વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં શહેરના લોકોની લાગણીને વાચા અપાઈ હતી.
બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે સામાન્ય રીતે કારની કિંમતમાંથી દર વર્ષે ઘસારાની રકમ બાદ થતી હોય છે.એટલે ઉદાહરણ તરીકે ૧૦ લાખની કારની કિંમત ચાર પાંચ વર્ષ પછી અડધી પણ રહેતી નથી.આ સંજોગોમાં જો પૂરના પાણીમાં ડુબેલી કારને સર્વેયરના રિપોર્ટના આધારે ટોટલ લોસ કેટેગરીમાં મૂકવામાં આવે તો કાર માલિકને અડધી જ રકમ મળે તેમ છે.આવા કિસ્સામાં કાર માલિકને રિપેરિંગનો વિકલ્પ પણ મળવો જોઈએ.જેથી કાર માલિકને નુકસાન ઓછું થાય.
સાથે સાથે બેઠકમાં એવી પણ માગ થઈ હતી કે, સર્વેયર દ્વારા કારને થયેલુ નુકસાનના અંદાજના અઢી ટકા રકમ ફી તરીકે ચાર્જ કરવામાં આવે છે.આ રકમ લોકો માટે તો પડતા પર પાટુ સમાન છે.પૂરનો માર ઝેલી ચુકેલા લોકો માટે આ ફી ઘટાડીને અડધો ટકા થવી જોઈએ.
બગડેલી કારોના પાર્કિંગનો રોજ ૨૫૦ રુપિયા ચાર્જ પણ આપવાનો
આ બેઠકમાં એવો પણ મુદ્દો ઉછળ્યો હતો કે, જે કારને નુકસાન થયું હોય તેને ડીલરોને ત્યાં સર્વે કરવા માટે પાર્ક કરવામાં આવે છે અને ત્યાં કાર પાર્ક માટે કાર માલિકે રોજ ૨૫૦ રુપિયા ભાડું ચુકવવું પડે છે.તેની જગ્યાએ કલેકટર કચેરી દ્વારા આવી કારો પાર્ક કરવા માટે ખુલ્લા પ્લોટ ફાળવવામાં આવે.જેથી આવી કારો ત્યાં પાર્ક કરી શકાય.ઉપરાંત કાર ડિલરોના શો રુમની કે વર્કશોપની બહાર પાર્ક થયેલી ગાડીઓને ટ્રાફિક પોલીસ હટાવવા માટે પણ આદેશ આપતી હોય છે.અત્યારની સ્થિતિમાં શો રુમો કે વર્કશોપ બહાર બગડેલી કારોનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ પણ કનડગત ના કરે તે જરુરી છે.
કાર રિપેરિંગ માટે બહારગામથી મિકેનિકો બોલાવો
ઈન્સ્યોરન્સ કંપનીઓના અધિકારીઓએ રજૂઆત કરી હતી કે, સર્વે રિપોર્ટ આપ્યા બાદ કાર સર્વિસ કરનારા તરફથી એસ્ટિમેટ મળતો નથી અને તેના કારણે ગ્રાહકોને ઉચ્ચક રકમ ચૂકવવામાંવિલંબ થાય છે.સાથે સાથે કારના ડીલરોએ બહારગામથી મિકેનિકો બોલાવીને કાર રિપેરિંગની કામગીરી ઝડપી બનાવવી જોઈએ.જેની સામે કાર ડીલરોએ પણ સર્વે રિપોર્ટના ત્રણ દિવસ બાદ કાર રિપેરિંગ એસ્ટિમેટ આપી દેવાની તૈયારી બતાવી હતી.