14 લાખ લીટરની કેપિસિટી ધરાવતી ટેન્કને બચાવવા યુધ્ધને ધોરણે કામગીરી,અઢી લાખ લીટર ફોમનો મારો ચલાવ્યાે
વડોદરાઃ રિફાઇનરીની આગના બનાવમાં ૧૪ લાખ લીટરની કેપિસિટી ધરાવતી સ્ટોરેજ ટેન્કને બચાવવા યુધ્ધને ધોરણે કામગીરી કરવામાં આવી હતી.
રિફાઇનરીની એક લાખ લીટર કેપિસિટી ધરાવતી બેન્ઝિનની ટેન્કમાં બ્લાસ્ટ સાથે આગ લાગ્યા બાદ પાંચ કલાકે બાજુની બીજી પણ ટેન્કમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી.
ઉપરોક્ત વિસ્તારમાં ૨૬૮ ટેન્ક હતી અને તેમાં જુદાજુદા જ્વલનશિલ પદાર્થ ભરેલા હતા.નજીકમાં ૧૪ લાખ લીટર કેપિસિટીની પણ એક ટેન્ક હતી.જેમાં આગ લાગી હોત તો ભારે તબાહી મચે તેમ હતું.ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ નિકુંજ આઝાદે કહ્યું હતું કે,આ ટેન્કને કુલિંગ રાખવા માટે સતત ફોમનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો અને તેમાં સફળતા મળી હતી.ફાયર બ્રિગેડે કુલ અઢી લાખ લીટર ફોમનો ઉપયોગ કર્યો હતો.