બાયોમેટ્રિક સિસ્ટમના વિરોધમાં વીસીને અધ્યાપકનો ખુલ્લો પત્ર
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હાજરી માટે લાગુ કરવામાં આવેલી બાયો મેટ્રિક સિસ્ટમ સામે અધ્યાપક આલમમાં પ્રવર્તી રહેલા અસંતોષને આખરે યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ અધ્યાપક જાગૃત ગાડિતે વાચા આપી છે.
વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવને સંબોધીને તેમણે એક ખુલ્લો પત્ર લખીને ઉઠાવેલા સવાલો ઉઠાવ્યો છે.તેમનો પત્ર અધ્યાપકોમાં વાયરલ થયો છે.તેમણે પત્રમાં જણાવ્યુ છે કે, તા.૧૦ માચે મેં તમને( ડો.શ્રીવાસ્તવને) આ મુદ્દા પર ચર્ચા કરવા માટે એક ઈ મેઈલ કર્યો હતો પણ તમારા તરફથી તેનો પ્રતિભાવ નહીં મળતા આખરે ખુલ્લો પત્ર લખવો પડયો છે.અધ્યાપકો ચોવીસ કલાક અધ્યાપકની જેમ જ જીવે છે અને તેની કામગીરીને કામના દિવસોના સાત કલાકના ટુકડાઓમાં કેદ કરવી એ ખોટનો સોદો છે.વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ક્યાંય આ રીતે અધ્યાપકના કામનો સમય નક્કી થતો નથી.તેમાં પણ હંગામી અધ્યાપકોને તો કાયમી અધ્યાપકો કરતા અડધો અને ફિક્સ પગાર મળે છે.રજાઓ અને ઈન્ક્રીમેન્ટનો પણ લાભ મળતો નથી અને આમ છતા ફરજિયાત કેમ્પસ હાજરી તેમને થઈ રહેલો ઘણા ઉંચા સ્તરનો અન્યાય નથી?
પત્રમાં તેમણે વધુમાં જણાવ્યુ છે કે, અધ્યાપકોના કામની પ્રકૃતિ હાઈબ્રીડ છે.અધ્યાપક ઘરે અને રજાઓમાં પણ વાંચન, વિચાર, સંશોધન, લેખન સહિતનુ કામ કરે છે તે વાસ્તવિકતા છે.બાયોમેટ્રિક હાજરીનો નિયમ લાગુ કરવાથી અધ્યાપકોને કામ નથી હોતુ અને તેઓ ઘરે જલસા કરે છે તેવી વ્યાપક ગેરસમજ સમાજમાં ઉભી થઈ રહી છે.નવી શિક્ષણ નીતિનુ મહત્વનુ પાસુ લચર શિક્ષણ છે પણ વિદ્યાર્થીઓ માટે લચીલાપણુ અને અધ્યાપકો માટે જડ નિયમોની બેવડી નીતિ સફળ થઈ શકે નહીં.કેમ્પસમાં ખરેખર ફરજિયાત લઘુતમ હાજરી રાખવી પણ હોય તો તે ત્રણ થી ચાર કલાકની હોવી જોઈએ.યુનિવર્સિટી સાથે સંકળાયેલા બધાએ તેના પર વ્યાપક અને તંદુરસ્ત વિચારણા કરવાની જરુર છે.યુનિવર્સિટીના બૌધ્ધિકો આ સીધુ સાદુ તથ્ય ના જોઈ શકતા હોય અથવા જોવા છતા બોલી ના શકતા હોય તો આ બંને સ્થિતિ બહુ ચિંતાનજક છે.અત્યારે યુનિવર્સિટીમાં બહુમતી વર્ગ પોતાની મન કી બાત..કહેતા ગભરાય છે અને આ પ્રકારનુ ભયનુ વાતાવરણ યુનિવર્સિટીમાં હોવુ જોઈએ નહીં.