બિનખેતીના કેસો માટે કલેક્ટર કચેરીમાં તા.૯મીએ ઓપન હાઉસ
અગાઉ દફ્તરે થયેલાં કેસોનો આ ઓપન હાઉસમાં સમાવેશ કરાશે
વડોદરા, તા.2 વડોદરા કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટેના કેસો માટે જિલ્લા કલેક્ટર દ્વારા તા.૯ના રોજ બપોરે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગાઉ દફ્તરે થયેલા કેસોનો સમાવેશ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાની કલેક્ટર કચેરીમાં છેલ્લા ત્રણ માસમાં બિનખેતીના કેસો માટેની અરજીઓ દાખલ કરવામાં આવતી હતી તે અરજીઓના મોટાભાગના કેસોને નકારાત્મક અભિપ્રાય સાથે તેને દફ્તરે કરી દેવામાં આવતી હતી. આ અંગે જમીનધારકો તેમજ બિલ્ડરોમાં આંતરિક વિરોધ થતો હતો પરંતુ કોઇ જાહેરમાં બોલી શકતું ન હતું. થોડા સમય પહેલાં વડોદરાના માંજલપુરના ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જિલ્લા કલેક્ટર પાસે કેટલા કેસો નામંજૂર થયા તેની વિગતો માંગી હતી જેના પગલે કલેક્ટર કચેરી ચર્ચામાં આવી હતી.
દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા આખરે બિનખેતીના કેસો માટે ઓપન હાઉસ યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં કેસોની વિગતો તપાસવામાં આવી હતી અને આખરે આજે તા.૯ના રોજ બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી ઓપન હાઉસ કલેક્ટર કચેરીમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે બિનખેતીના કેસો જે દફ્તરે થયેલા છે તે કેસોનો તબક્કાવાર ઓપન હાઉસમાં સમાવેશ કરવામાં આવશે.