પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર ૧૫ વર્ષથી બંધ પડયું છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ઐતિહાસિક પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનુ ઓપન એર થિયેટર ફાયર એનઓસી વગર ૧૫ વર્ષથી ધૂળ ખાઈ રહ્યુ છે પણ હજી સુધી ફેકલ્ટી અને યુનિવર્સિટી સત્તાધીશોએ તેની ફાયર એનઓસી લેવા માટે કોઈ પ્રયત્નો જ નથી કર્યા.
ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ ડ્રામા વિભાગમાં અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓ માટે રંગમંચ સ્વાભાવિક રીતે જરુરી હોય છે.હાલમાં ફેકલ્ટી પાસે ઈન્ડોર થિયેટર તો છે પણ ફેકલ્ટી કેમ્પસમાં એક ઓપન એર થિયેટર પણ આવેલુ છે.જાણવા મળતી વિગતો પ્રમાણે આ થિયેટર છેલ્લા પંદર વર્ષથી બંધ છે.કારણકે થિયેટર માટે ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી નથી.
આશ્ચર્યની વાત એ છે કે, પંદર વર્ષમાં તેના માટે ફાયર એનઓસી લેવાના કોઈ પ્રયાસો પણ થયા નથી.જોકે હવે ફેકલ્ટી સત્તાધીશોએ થિયેટરને ફરી શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે પણ તે કાગળ પરથી વાસ્તવિકતામાં ક્યારે ફેરવાશે તે કહેવુ મુશ્કેલ છે.
ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, આ થિયેટર ફેકલ્ટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલુ છે.તેના પર લાકડાનુ ફ્લોરિંગ કરાયુ છે અને તેના કારણે તેની ફાયર એનઓસી લેવાની જરુરિયાત ઉભી થઈ હતી પણ ફાયર એનઓસી નહીં મળતા આ થિયેટરનો ઉપયોગ બંધ થઈ ગયો હતો.
જોકે ફેકલ્ટી દ્વારા યુનિવર્સિટી તંત્રનુ હવે પત્ર લખીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યુ છે.ફાયર એનઓસી લેવા માટે ઓપન એર થિયેટરમાં જરુરી સુધારા વધારા કરવા પડે તેમ છે અને આ માટે બાર લાખ રુપિયાનો ખર્ચ કરવાની જરુર છે.ફેકલ્ટી દ્વારા લાકડાના ફલોરિંગને બદલીને નવેસરથી રિનોવેશન કરવાની યોજના બનાવાઈ છે.
સાથે સાથે ફેલ્ટીમાં કોઈ પણ તરફથી ફાયર ફાઈટર પ્રવેશી શકે તેમ નથી.જેના પગલે ફેકલ્ટીમાં પાણીના સંગ્રહ માટે અન્ડર ગ્રાઉન્ડ ટાંકી બનાવવાનુ અને ફેકલ્ટી બહારથી ફાયર બ્રિગેડના બંબાને ઓપરેટ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનુ આયોજન છે.