પાર્ક પ્રિવેરા હોલિડેઝના ડિરેક્ટર રાહુલ ગુપ્તા અને અન્ય સામે ટૂર પેકેજના નામે ઠગાઇની વધુ એક ફરિયાદ
વડોદરાઃ પાર્ક પ્રિવેરા હોલિડેઝના ડાયરેક્ટરોએ પેકેજની સ્કીમના નામે કરેલી ઠગાઇના વધુ કિસ્સા બહાર આવ્યા છે.અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં છ ગ્રાહકોએ નોંધાવેલી ઠગાઇની ફરિયાદ બાદ સયાજીગંજની હોટલમાં ઠગાયેલા બીજા છ ગ્રાહકોએ રૃ.૭.૪૫ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
અલકાપુરીના વિકેન્ઝા બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા પાર્ક પ્રિવેરા હોલિડેઝના ડિરેક્ટર રાહુલ ગુપ્તા અને અલી અન્સારી સામે છ ગ્રાહકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.કંપનીના અધિકારી નિશિથ શ્રીવાસ્તવ અને અન્ય કર્મચારીએ કપલને ગોત્રીની તારાસન હોટલમાં બોલાવ્યા બાદ ટૂર પેકેજના નામે રૃ.૬.૭૧ લાખ ઠગી લેતાં તેમની સામે ગુનો નોંધાયો હતો.
ઉપરોક્ત બનાવ બાદ બગીખાના વિસ્તારમાં રહેતા સલોની બાપટે પાર્ક પ્રિવેરા ના ડિરેક્ટર રાહુલ ગુપ્તા,અધિકારી નિશિથ શ્રીવાસ્તવ,પૂજા માતુરકર અને વડોદરાના મેનેજર શિશિર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે કહ્યું છે કે,ફેબુ્રઆરી- ૨૦૨૨માં હોલિડેઝ પેકેજના નામે અમને સયાજી હોટલમાં બોલાવ્યા હતા.૧૦ વર્ષમાં દેશ-વિદેશમાં ૭૦ નાઇટ્સનું પેકેજ આપતાં મેં રૃ.૧.૨૫ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ માત્ર ચાર દિવસ ઋષિકેશ અને દમણ લઇ જવાયા હતા.
વારંવાર રજૂઆતો કરવા છતાં કંપનીએ પેકેજ મુજબ કોઇ સવલત આપી નહતી અને ફોન પણ બંધ કરી દીધા હતા.મારી જેમ બીજા પાંચ ગ્રાહકો સાથે પણ છેતરપિંડી થઇ હતી.જેથી કુલ છ ગ્રાહકોએ રૃ.૭.૪૫લાખ ગુમાવ્યા છે.સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.