૬૦૦૦ સીડીની ચકાસણી પછી શંકાસ્પદ ગેરરીતિના માત્ર બે કેસ
વડોદરાઃ વડોદરામાં ધો.૧૦ અને ધો.૧૨ની ગુજરાત બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ૬૦૦૦ જેટલી સીડીઓની ચકાસણી બાદ માત્ર બે શંકાસ્પદ કેસ પકડાયા છે.જેમાં એક વિદ્યાર્થી ધો.૧૦ અને અન્ય એક વિદ્યાર્થી ધો.૧૨ સામાન્ય પ્રવાહનો છે.આ બંને વિદ્યાર્થીઓને ગઈકાલે ડીઈઓ કચેરીમાં સુનાવણી માટે પણ બોલાવવામાં આવ્યા હતા.
વડોદરામાં આ વખતે બોર્ડ પરીક્ષા દરમિયાન પણ ગેરરીતિનો માત્રે એક જ કેસ થયો હતો.બાયોલોજીના પેપરમાં એક વિદ્યાર્થી કાપલી સાથે પકડાયો હતો.આ સીવાય સીડીની ચકાસણીમાં પણ માત્ર બે જ વિદ્યાર્થી ગેરરીતિ આચરતા હોવાનુ દેખાયુ છે.તે પણ હાલના તબક્કે તો શંકાસ્પદ જ છે.આમ શિનોર તાલુકાના આનંદી ગામમાં સામૂહિક ચોરીની ઘટનાને બાદ કરવામાં આવે તો વડોદરામાં બોર્ડ પરીક્ષામાં ગેરરીતિના સૌથી ઓછા કેસ આ વર્ષે નોંધાયા છે.
જેનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓએ સીસીટીવીના ડરથી ગેરરીતિ કરવાનુ બંધ કરી દીધુ છે અથવા તો વિદ્યાર્થીઓની ગેરરીતિ સીસીટીવીમાં પકડાતી નથી.કારણકે ૫૦ જેટલા શિક્ષકોને પંદર દિવસ સુધી કામે લગાડીને ૬૦૦૦ સીડી ચેક કર્યા પછી ગેરરીતિના માત્ર બે જ કેસ સામે આવ્યા છે.જે શિક્ષક આલમ માટે પણ આશ્ચર્યની વાત છે.
જોકે શિનોર તાલુકાના આનંદી ગામમાં સામૂહિક ચોરીની ઘટનામાં સેંકડો વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.કારણકે આ સ્કૂલના તમામ બ્લોકમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવતી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્ય ુછે.