આર્ટસ ફેકલ્ટીના ડિફેન્સ સ્ટડીઝના કોર્સમાં ૨૦૦ વિદ્યાર્થીઓ સામે એક જ અધ્યાપક

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
આર્ટસ ફેકલ્ટીના ડિફેન્સ સ્ટડીઝના કોર્સમાં ૨૦૦ વિદ્યાર્થીઓ સામે એક જ અધ્યાપક 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સૌથી અલગ પ્રકારના ડિગ્રી કોર્સ બીએ ઈન ડિફેન્સ સ્ટડીઝ એન્ડ નેશનલ સિક્યુરિટીઝમાં ૨૦૦ વિદ્યાર્થીઓની વચ્ચે  માત્ર એક જ હંગામી અધ્યાપક ફરજ બજાવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ કોર્સમાં કુલ ૧૮ પેપર છે અને તેને ભણાવવા માટે ચાર અધ્યાપકોની જરુર પડતી હોય છે.તેની જગ્યાએ ૨૦૦ વિદ્યાર્થીઓની સામે એક જ અધ્યાપક છે. અહીંયા ત્રણ હંગામી અધ્યાપકોને ઓર્ડર અપાયા હતા પણ બે અધ્યાપકોએ નોકરી જોઈન કરી નથી પણ તેમની જગ્યાએ  યુનિવર્સિટી સત્તાધીશો   બીજા અધ્યાપકોની નિમણૂક ફેકલ્ટી દ્વારા થયેલી રજૂઆતો પછી પણ કરી રહ્યા નથી.આમ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ કોર્સ ૨૦૨૧માં શરુ થયો  છે.ભારતીય સંરક્ષણ દળોમાં જોડાવા માગતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ કોર્સ ડિઝાઈન કરાયો છે.વિદ્યાર્થીઓને સંરક્ષણદળોમાં જોડાવા માટેની પરીક્ષાની તૈયારી કરવા માટે આ કોર્સ મદદ કરી શકે છે.આ પ્રકારનો ડિગ્રી કોર્સ બહુ ઓછી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે.આવા કોર્સને વધારે લોકપ્રિય બનાવવાની જગ્યાએ તેની ઉપેક્ષા થઈ રહી છે.બીજી તરફ આર્ટસ ફેકલ્ટીમાં જ હિન્દુ સ્ટડીઝનો ડિગ્રી કોર્સ ચાલે છે.તેમાં માત્ર ૩૨ જ વિદ્યાર્થીઓ હોવા છતા તેમાં ચાર હંગામી અધ્યાપકોની નિમણૂક કરાઈ છે.સત્તાધીશોની ભેદભાવભરી નીતિ ભારે ચર્ચાનો વિષય બની છે.

બે મહિનાથી ફરજ બજાવતા હંગામી અધ્યાપકની જગ્યાએ

અન્ય ઉમેદવારને ઓર્ડર અપાતા નારાજ થયેલા હેડનું રાજીનામુ

યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂકના ચાલી રહેલા વિવાદ આર્ટસ ફેકલ્ટીના એક વિભાગના હેડે રાજીનામુ ધરી દીધું છે.જાણવા મળતી વિગતો પ્રમાણે અન્ય વિભાગોની જેમ આ વિભાગમાં પણ ચાર હંગામી અધ્યાપકોની ફેકલ્ટીના ઈન્ટરવ્યૂમાં પસંદગી થયા બાદ તેમને ઓર્ડર મળે તેની રાહ જોયા વગર નોકરી જોઈન કરવાનું કહી દેવાયું હતું.જોકે તાજેતરમાં જે ઓર્ડર થયા છે તેમાં બે મહિનાથી ફરજ બજાવતા એક હંગામી અધ્યાપકની બાદબાકી થઈ છે.યુનિવર્સિટી સત્તાધીશોની આ પ્રકારની નીતિથી વ્યથિત થઈને  વરિષ્ઠ પ્રોફેસરે  હેડ તરીકે પોતાનુ રાજીનામુ ડીનને સુપરત કરી દીધું છે.હંગામી અધ્યાપકોની  નિમણૂકમાં પણ યુનિવર્સિટી સત્તાધીશોની તાનાશાહીથી ઘણા સિનિયર પ્રોફેસરો નારાજ છે પણ કોઈ  બોલવાની હિંમત કરી રહ્યું નથી.



Google NewsGoogle News