રાજ્યમાં ૩૧૬ નવી સ્કૂલો પૈકી વડોદરાને એક જ સ્કૂલની ફાળવણી
વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ૩૧૧ સરકારી માધ્યમિક સ્કૂલો શરુ કરવાની જાહેરાત કરી છે.જેમાં વડોદરા જિલ્લાને ૩૧૧ સ્કૂલોમાંથી માત્ર એક જ સ્કૂલ ફાળવવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે સરકારે દરેક જિલ્લામાં ક્યાં કેટલી નવી સરકારી માધ્યમિક સ્કૂલો શરુ કરાશે તેની જાહેરાત કરી છે.જેમાં સૌથી વધારે ૬૧ જેટલી સ્કૂલો કચ્છમાં શરુ થવાની છે.આ સિવાય વડોદરાની અમેરેલી જિલ્લામાં ૨૫, જામનગર જિલ્લામાં ૨૬, ડાંગ જિલ્લામાં ૧૭, બનાસકાંઠામાં ૧૮ સ્કૂલો શરુ કરવાની જાહેરાત કરાઈ છે.સુરત અને અમદાવાદ જિલ્લામાં પણ અનુક્રમે ૧૨ અને ૧૩ નવી સ્કૂલો શરુ કરવાની જાહેરાત કરાઈ છે.
તેની સામે વડોદરા જિલ્લાને સમગ્ર રાજ્યમાં સૌથી ઓછી માત્ર એક જ સ્કૂલ ફાળવવામાં આવી છે અને તેનાથી શૈક્ષણિક આલમમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે.આ સ્કૂલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં શરુ કરવાની યોજના છે.શૈક્ષણિક આલમમાં વડોદરાની ઉપેક્ષાને લઈને એવી ચર્ચા છે કે, સરકાર કાંતો એવુ માને છે કે, વડોદરાને વધારે સરકારી સ્કૂલોની જરુર નથી અથવા સરકારને વડોદરાની કોઈ પડી નથી.૩૧૧માંથી માત્ર એક જ સ્કૂલ ફાળવીને સરકારે વડોદરાની મજાક ઉડાવી હોય તેમ લાગે છે.