સાધારણ વરસાદમાં જ ઠેરઠેર ચક્કાજામ, પીક અવર્સમાં વાહન ચાલકો અટવાયા
વડોદરાઃ વડોદરામાં આજે સાંજે સાધારણ વરસાદ વખતે જ ઠેરઠેર ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી અને વાહન ચાલકો અટવાઇ પડયા હતા.
શહેરમાં વરસાદ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને કલાકો સુધી વાહનચાલકો અટવાતા હોવાના બનાવો બનતા હોય છે.આજે સાંજે પીક અવર્સ દરમિયાન સાધારણ વરસાદ પડતાં અટલાદરા,મુજ મહુડા,અલકાપુરી,હરણીરોડ,સયાજીગંજ,ફતેગંજ, કારેલીબાગ જેવા સ્થળોએ ટ્રાફિક જામના દ્શ્યો સર્જાયા હતા.
ટ્રાફિક પોલીસ રોંગ સાઇડ સહિતના કેસો કરવામાં વ્યસ્ત છે ત્યારે સાધારણ વરસાદમાં જ અનેક સ્થળે અંધાધૂંધી જોવા મળી હતી.જો બે-ચાર ઇંચ વરસાદ એક સાથે ખાબકશે તો શું થશે તે મુદ્દો લોકોમાં ચર્ચામાં રહ્યો છે.
નોંધપાત્ર બાબત એ છે કે,ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બ્રિજ બનાવવામાં આવ્યા છે.પરંતુ બ્રિજ પર પણ વાહનચાલકો અટવાતા હોવાના બનાવો બની રહ્યા છે.