કોમર્સમાં બહારગામના ૧૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ સામે હોસ્ટેલમાં માત્ર ૪૦૦ બેઠકો

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
કોમર્સમાં  બહારગામના ૧૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ સામે હોસ્ટેલમાં માત્ર ૪૦૦ બેઠકો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને  પ્રવેશ આપવાની માગ સાથે ચાલી રહેલા આંદોલન વચ્ચે સત્તાધીશોના બેવડા ધારાધોરણોની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

એક તરફ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કોમર્સ ફેકલ્ટીના ડીન ભણાવવાની જગ્યા નહીં હોવાનુ કારણ આગળ ધરી રહ્યા છે અને બીજી તરફ બહારગામના ૧૫૦૦ વિદ્યાર્થીઓને ફેકલ્ટી પ્રવેશ આપી ચૂકી છે.જેમને રાખવા માટે સત્તાધીશો પાસે જગ્યા નથી.

વિદ્યાર્થી આગેવાનોના કહેવા પ્રમાણે બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં ૫૦૦૦ જેટલી બેઠકો છે. દરેક  ફેકલ્ટીના વિદ્યાર્થીઓ વચ્ચે આ બેઠકો વહેંચવામાં આવે છે.કોમર્સના એફવાયથી માંડી એમકોમ સુધીના વિદ્યાર્થીઓ માટે ૪૦૦ જેટલી બેઠકો ફાળવવામાં આવે છે.જેમાં ગર્લ્સ હોસ્ટેલની બેઠકોનો પણ સમાવેશ થાય છે.તેની સામે આ વર્ષે માત્ર એફવાયમાં જ બહારગામના ૧૫૦૦ વિદ્યાર્થીઓને સત્તાધીશો પ્રવેશ આપી ચૂકયા છે.આમ બહારગામના મોટાભાગના વિદ્યાર્થીઓને રાખવા માટે સત્તાધીશો પાસે હોસ્ટેલમાં જગ્યા નથી.

વિદ્યાર્થી સંગઠનોની દલીલ છે કે, જો ભણવા માટે જગ્યા નથી તેવુ કારણ આગળ ધરીને વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી અપાઈ રહ્યો તો હોસ્ટેલમાં રાખવા માટે જગ્યા નહીં હોવા છતા બહારગામના વિદ્યાર્થીઓને સત્તાધીશો પ્રવેશ આપી રહ્યા છે.આમ સત્તાધીશો બેવડા ધોરણ અપનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૧૪૦૦ બેઠકો વધારવાની જાહેરાત કરી છે પણ તેમનો પ્રવેશ કાર્યક્રમ કોમર્સ ફેકલ્ટીએ હજી જાહેર નથી કર્યો.સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને રાહ જોવડાવવાની અપનાવાયેલી નીતિના કારણે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

વડોદરાના વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે હેડ ઓફિસ ખાતે ધરણા

વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓનુ આંદોલન યથાવત છે.આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગુ્રપ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થી સંગઠને કહ્યુ હતુ કે, યુનિવર્સિટી સત્તાધીશો સમય પસાર કરવા માગે છે.જેથી પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ અને વાલીઓ નાછૂટકે બીજો કોઈ વિકલ્પ વિચારે અને સરવાળે સત્તાધીશો વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાની જીદ પૂરી કરી શકે.આટલા દિવસથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે પણ વાઈસ ચાન્સેલરે તેમની સાથે ચર્ચા કરવાની કે તેમની રજૂઆત સાંભળવાની પણ તસદી લીધી નથી.

સાંસદની અપીલ બાદ ફાઈટ ફોર એમએસયુ ગુ્રપ રાહ જોશે

વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આંદોલન શરુ કરનાર ફાઈટ ફોર એમએસયુ ગુ્રપે ૪૮ કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ. યુનિવર્સિટી સત્તાધીશોએ હજી સુધી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગણી સ્વીકારી નથી ત્યારે ફાઈટ ફોર એમએસયુ ગુ્રપે પણ અલ્ટીમેટમનો સમય પૂરો થયા બાદ આંદોલનની આગામી જાહેરાત કરી નથી.આ ગુ્રપનુ કહેવુ છે કે, સાંસદે કરેલી અપીલ બાદ અમે હજી રાહ જોઈશું.



Google NewsGoogle News