MSUના પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ MBA કોર્સને જીકાસનું ગ્રહણ લાગ્યું, 80માંથી 35 જ બેઠકો ભરાઈ
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ એમબીએ પ્રોગ્રામને જીકાસ પોર્ટલના કારણે ફટકો પડ્યો છે.
મેનેજમેન્ટ ફેકલ્ટીમાં રેગ્યુલર એમબીએ પ્રોગ્રામમાં ગુજરાત સરકારની એડમિશન કમિટિ થકી પ્રવેશ અપાય છે. જયારે આ વર્ષે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના એડમિશન જીકાસ પોર્ટલ થકી કરવામાં આવ્યા હતા. જેના કારણે આ પ્રોગ્રામની 80 પૈકી માત્ર 35 જ બેઠકો ભરાઈ છે. હવે બાકીની બેઠકો ભરવા માટે ફેકલ્ટી સત્તાધીશોએ નવેસરથી યુનિવર્સિટીના પોર્ટલ પર ફોર્મ ઉપલબ્ધ કરાવ્યા છે. ઉમેદવારો તા.12 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે.
ફેકલ્ટી ડીન ડો.સુનિતા શર્માનું કહેવુ છે કે, કોર્પોરેટ સેકટરમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે 1996થી શરૂ કરાયેલા કોર્સમાં પહેલી વખત આટલા મોટા પાયે બેઠકો ખાલી પડી છે. ગત વર્ષે પણ 80માંથી 65 બેઠકો ભરાઈ હતી. આ વર્ષે જીકાસ પર આ પ્રોગ્રામ માટે 2800 અરજીઓ આવી હતી પણ મોટાભાગના ફોર્મ ભરનારા રેગ્યુલર એમબીએ પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ હતા. જેમને આ કોર્સ રેગ્યુલર એમબીએ પ્રોગ્રામ હોવાની ગેરસમજ થઈ હતી. બીજી તરફ કોર્પોરેટર સેકટરમાં ઘણાને પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું છે તેવી જાણકારી નહોતી.
ઉલ્લેખનીય છે કે, એક્ઝિક્યુટિવ એમબીએ પ્રોગ્રામ સાંજે ચલાવાય છે. જેમાં પ્રવેશ લેવા માટે 50 ટકા કે તેના કરતા વધારે માર્કસ સાથે ડિગ્રી હોવી જરૂરી છે. તેની સાથે સાથે ઉમેદવાર ફેકલ્ટીથી 16 કિલોમીટરના વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતો હોવો અને આ કંપનીનું એનઓસી હોવું પણ ફરજિયાત છે.