યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત એમકોમની ૨૫ ટકા જ બેઠકો ભરાઈ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત   એમકોમની  ૨૫ ટકા જ બેઠકો ભરાઈ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના એમકોમના પહેલા વર્ષમાં  પ્રવેશની કાર્યવાહી સરકારના જીકાસ પોર્ટલ થકી થઈ છે અને પહેલી વખત એવુ બન્યુ છે કે, એમકોમમાં પહેલા રાઉન્ડના પ્રવેશ બાદ ૧૨૫૦ જેટલી બેઠકો પૈકી માંડ ૨૫ ટકા બેઠકો પર જ વિદ્યાર્થીઓએ ફી ભરી છે.

સામાન્ય રીતે એમકોમમાં પ્રવેશ માટે પડાપડી થતી હોય છે.એમકોમના એકાઉન્ટ અને કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ જેવા વિષયોમાં તો પ્રવેશ માટેનુ મેરિટ પણ ઉંચુ જતુ હોય છે.જોકે આ વર્ષે જીકાસના પોર્ટલ થકી એમકોમના પ્રવેશ થયા છે.પહેલા રાઉન્ડની પ્રવેશ યાદી બહાર પડી ગઈ છે પણ અત્યાર સુધીમાં માંડ ૩૦૦ વિદ્યાર્થીઓએ જ એમકોમની ફી ભરી છે.સત્તાધીશો રાહ જોઈ રહ્યા છે કે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરે.આ યાદીમાં  સ્થાન પામનારા વિદ્યાર્થીઓ માટે ફી ભરવાનો આવતીકાલે, શનિવારે છેલ્લો દિવસ છે.સત્તાધીશોએ વિદ્યાર્થીઓને પણ મેસેજ મોકલીને યાદ દેવડાવ્યુ છે.પીજી ડિપ્લોમાના વિવિધ કોર્સની હાલત તો વધારે ખરાબ છે.આ કોર્સમાં પ્રવેશની કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી છે.કારણકે પીજી ડિપ્લોમાના ત્રણ કોર્સની ૯૯ ટકા બેઠકો હજી પણ ખાલી જ છે.

ઉલ્લેખનીય છે કે, જીકાસ પોર્ટલ પરના ધાંધિયાના કારણે સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં બેઠકો  નહીં ભરાઈ રહી હોવાની ચર્ચા છે.એમ.એસ.યુનિવર્સિટીમાં પણ તેની અસર દેખાઈ છે.આર્ટસ ફેકલ્ટીમાં પહેલા પ્રવેશ રાઉન્ડના અંતે ૪૫૦ જ બેઠકો ભરાઈ છે.આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં એફવાયની કુલ મળીને ૩૨૦૦ જેટલી બેઠકો ખાલી રહી છે.જે બીજા રાઉન્ડમાં ભરવા મ માટે  કાર્યવાહી હાથ ધરાશે.

સાયન્સ ફેકલ્ટીમાં ૧૩૮ વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ પ્રવેશ અપાયો 

સાયન્સ ફેકલ્ટીએ પહેલા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ આજે જીકાસ પોર્ટલ પર એપ્લિકેશન કરનાર વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ એડમિશન આપ્યા હતા અને આજે ૧૩૮ વિદ્યાર્થીઓએ ફી ભરી હતી.હજી બહારગામના વિદ્યાર્થીઓનુ ઓનલાઈન કાઉન્સિલિંગ ચાલી રહ્યુ છે.જેમને આવતીકાલે પ્રવેશ મળે તેવી શક્યતા છે.અત્યાર સુધીમાં સાયન્સમાં ૭૦૦  વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ ચૂકયા છે.

વડોદરાના વિદ્યાર્થીઓ કંટાળીને બીજે પ્રવેશ લઈ લે તે માટે સત્તાધીશો રાહ જોવડાવી રહ્યા હોવાની ચર્ચા 

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને વધારાની ૧૪૦૦ બેઠકો પર કેવી રીતે અને ક્યારે પ્રવેશ અપાશે તેની જાહેરાતના અભાવથી વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે.સત્તાધીશો ફરી લોલીપોપ આપી રહ્યા હોવાની લાગણી મજબૂત બની રહી છે.બીજી તરફ જીકાસની બીજી પ્રવેશ યાદી આવતીકાલે બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.કોમર્સ ફેકલ્ટીમાં પહેલા રાઉન્ડમાં ૧૫૦૦ જેટલી બેઠકો ખાલી રહી છે.માત્ર આ જ બેઠકો પર સત્તાધીશો પ્રવેશ આપશે કે વધારાની ૧૪૦૦ બેઠકો પર પણ તેની સાથે પ્રવેશ અપાશે તેની જાણકારી કોઈની પાસે નથી.કોમર્સ ફેકલ્ટી ડીન પણ આ મુદ્દે જવાબ આપવાનુ ટાળી રહ્યુ છે.એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, સત્તાધીશો જાણી જોઈને વેઈટિંગ ગેમ રમી રહ્યા છે.જેથી જાહેરાતના અભાવે વિદ્યાર્થીઓ કંટાળીને બીજે પ્રવેશ લઈ લે અને વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ના પડે.



Google NewsGoogle News