Get The App

MSUની પાદરા કોલેજના BSCના હાયર પેમેન્ટ કોર્સથી વિદ્યાર્થીઓનો મોહભંગ, આ વર્ષે માત્ર 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
MSUની પાદરા કોલેજના BSCના હાયર પેમેન્ટ કોર્સથી વિદ્યાર્થીઓનો મોહભંગ, આ વર્ષે માત્ર 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો 1 - image

વડોદરા,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

એમ.એસ.યુનિવર્સિટીની પાદરા ખાતેની એમ કે અમીન કોલેજોમાં ચાલતા બીએસસીના હાયર પેમેન્ટ કોર્સથી વિદ્યાર્થીઓનો મોહભંગ થવા માંડયો છે. આ કોર્સ શરુ થયા બાદ આ વર્ષે સૌથી ઓછા વિદ્યાર્થીઓએ તેમાં પ્રવેશ લીધો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

મળતી વિગતો પ્રમાણે 2012-13માં  બીએસસીમાં પ્રવેશ માટેના ધસારાને ધ્યાનમાં રાખીને પાદરા કોલેજ ખાતે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝૂલોજી, મેથેમેટિક્સનો હાયર પેમેન્ટ કોર્સ શરુ કરવામાં આવ્યો હતો. જેથી યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં આવેલી સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓને રેગ્યુલર બેઠકો પર પ્રવેશ ના મળે તેમની પાસે હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશનો વિકલ્પ મોજૂદ રહે. તેમાં બે વર્ષ પહેલા માઈક્રોબાયોલોજીનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. કુલ મળીને અહીંયા 420 બેઠકો છે પણ હવે અહીંયા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે 200 જેટલા અને આ વર્ષે તો માત્ર 100 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. તેમાં પણ 40 વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી અને 50 જેટલા વિદ્યાર્થીઓએ માઈક્રોબાયોલોજીમાં એડમિશન લીધુ છે. જ્યારે ફિઝિકસ, બોટની, ઝૂલોજી અને મેથેમેટિક્સમાં માત્ર 10 જ નવા વિદ્યાર્થીઓનો ઉમેરો થયો છે. સાયન્સ ફેકલ્ટી સત્તાધીશો પણ હાયર પેમેન્ટ કોર્સની ઉપેક્ષા કરી રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. બીજી તરફ જાણકારોનુ માનવુ છે કે, બીએસસીમાં પ્રવેશ માટે છેલ્લા ત્રણેક વર્ષથી ઓછો ધસારો થઈ રહ્યો છે. જેની અસર હાયર પેમેન્ટ કોર્સ પર પડી છે. ઉપરાંત સત્તાધીશોએ આ કોર્સની 36000 રુપિયા ફી રાખી છે. જે બીએસસીના કોર્સ માટે ઘણી વધારે છે. જોકે સત્તાધીશો ફી ઘટાડવા માટે કોઈ હિલચાલ કરી રહ્યા નથી.

- પાંચ કરોડના ખર્ચે નવુ બિલ્ડિંગ બનાવાયુ છે

હાયર પેમેન્ટ કોર્સ શરુ કર્યા બાદ વિદ્યાર્થીઓને લેબોેરેટરી સહિતની વિવિધ સુવિધાઓ આપવા માટે પાદરા કોલેજ ખાતે સાયન્સના  વિદ્યાર્થીઓ માટે પાંચ કરોડ રુપિયાનુ બિલ્ડિંગ પણ બનાવાયુ છે. જેનુ ઉદઘાટન તત્કાલિન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના હસ્તે કરવામાં આવ્યુ હતુ. જે રીતે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે તે જોતા થોડા સમય બાદ આ બિલ્ડિંગનો વૈકલ્પિક ઉપયોગ કરવાનુ વિચારવુ પડે તો આશ્ચર્ય નહીં હોય.

- પાદરા કોલેજમાં ચાલતો બીસીએનો કોર્સ પણ મુખ્ય કેમ્પસમાં ખસેડાયો

પાદરા કોલેજમાં બીએસસી ઉપરાંત બીસીએ(બેચરલ ઓફ કોમ્પ્યુર એપ્લિકેશન)નો કોર્સ પણ ચાલતો હતો.આ કોર્સમાં 120 બેઠકો છે. જોકે આ વર્ષથી પાદરા કોલેજનો બીસીએ કોર્સ પણ સત્તાધીશોએ સાયન્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસમાં શિફટ કરી દીધો છે. જેના માટે સત્તાધીશો એવુ કારણ આપી રહ્યા છે કે, પાદરા કોલેજમાં ભણાવવા માટે અધ્યાપકો મળી રહ્યા નથી. ઉપરાંત મુખ્ય કેમ્પસમાં વિદ્યાર્થીઓને પહેલેથી જ ચાલી રહેલા બીસીએ કોર્સની સુવિધાઓનો પણ લાભ મળી શકે છે.


Google NewsGoogle News