MSU હોસ્ટેલમાં સર્વે, માત્ર 1 ટકા વિદ્યાર્થીઓએ ફરજિયાત મેસ ફીની તરફેણ કરતા સત્તાધીશોના દાવાની પોલ ખુલી ગઈ
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મેસ ફી ફરજિયાત કરવાના નિર્ણયનો બચાવ કરતી વખતે તાજેતરમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ચીફ વોર્ડને કહ્યું હતું કે, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા સુધારવા માટે મેસ ફી એક સાથે અને ફરજિયાત કરવાના વિકલ્પનું સમર્થન કર્યું હતું.
જોકે ફરજિયાત મેસ ફી સામે આંદોલન કરનાર વિદ્યાર્થીઓએ આ દલીલને સાવ ખોટી ગણાવીને કહ્યું છે કે, વિદ્યાર્થીઓમાં આ પ્રકારનો કોઈ સર્વે કરાયો નથી અને કરાયો હોય તો બહુ ઓછા વિદ્યાર્થીઓને તેની જાણકારી છે. હોસ્ટેલ યુનિટી ગુ્રપના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, અમે ગૂગલ ફોર્મ થકી હોસ્ટેલના 447 વિદ્યાર્થીઓ પાસેથી અભિપ્રાય લીધા છે. અમારા સર્વેમાં 99 ટકા વિદ્યાર્થીઓએ જૂની સિસ્ટમની એટલે કે જ્યારે મેસમાં જમવું હોય ત્યારે પૈસા ચૂકવવાની તરફેણ કરી છે. માત્ર એક ટકા વિદ્યાર્થીઓએ મેસ ફી ફરજિયાત રાખવાના વિકલ્પની આ સર્વેમાં પસંદગી કરી છે. આમ સત્તાધીશો ખોટું બોલે છે તેવુ આ સર્વેથી સાબિત થઈ ગયું છે. આ સર્વેમાં સામેલ થનાર 40 ટકા વિદ્યાર્થિનીઓ અને 60 ટકા વિદ્યાર્થીઓ હતા.
હોસ્ટેલ યુનિટી ગ્રુપના પાર્થ પંડયાએ કહ્યું હતું કે, મેસ ફી સામે થયેલા આંદોલન બાદ હોસ્ટેલના વિદ્યાર્થીઓના વોટસએપ ગ્રુપ પર નિયંત્રણો આવી ગયા છે. જેના કારણે સર્વે માટે તમામ વિદ્યાર્થીઓ સુધી ફોર્મ પહોંચી શક્યા નથી. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓએ આંદોલન બાદ વોર્ડનોની ધમકીથી ડરીને આ સર્વેમાં ભાગ નથી લીધો.
દરમિયાન મેસ ફી સામે આંદોલન કરનાર વિદ્યાર્થીઓ સામે વાઈસ ચાન્સેલરના આદેશ બાદ રાયોટિંગનો ગુનો નોંધાયા બાદ પોલીસે તેની તપાસ પણ શરૂ કરી હોવાનુ અને કેટલાક નિવેદનો લીધા હોવાનું પણ જાણવા મળ્યુ છે.