ઓનલાઇન ઠગોની નવી તરકીબઃ તમારો દીકરો છેડતી કરતાં પકડાયો છે, છોકરી માનતી નથી..પૈસા માંગેછે,1 લાખ ખંખેર્યા
તમારા દીકરાને ફોન કરશો તો ઇન્સ્પેક્ટર સાહેબ ગુસ્સે થશે અને કેસ બગડી જશે
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતા ઠગોથી લોકો સતર્ક થતા હોવાથી તેઓ વારંવાર રૃપિયા પડાવવાની તરકીબ બદલતા હોય છે.વડોદરામાં સગીર વયના એક વિદ્યાર્થીના વાલી પાસે પોલીસ કેસના નામે ઓનલાઇન રૃ.૧ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ,સગીરવયનો વિદ્યાર્થી મિત્રો સાથે બહાર ગયો હતો ત્યારે તેના વાલી પર પોલીસ સ્ટેશનના નામે ફોન આવ્યો હતો અને તમારો દીકરો છેડતી કરતા પકડાયો છે તેમ કહ્યું હતું.આ વખતે બેગ્રાઉન્ડમાં મમ્મી,બચાવી લે..મેં કાંઇ કર્યું નથી..તેવો અવાજ પણ સંભળાતો હતો.
ગભરાયેલા વાલીએ પુત્ર સાથે વાત કરવાનો આગ્રહ રાખ્યો હતો.પરંતુ સામેથી પોલીસ તરીકે વાત કરનાર ઠગે ભૂલથી પણ વાત ના કરશો.તેને મોબાઇલ તો કરતા જ નહિં.અમે છોકરીને સમજાવી રહ્યા છીએ. સાહેબ ગુસ્સે થશે તો બધું બગડી જશે..તેમ કહી વાલીને વધુ ગભરાવ્યા હતા.
ત્યારબાદ ગઠિયાએ સાહેબને રૃ.૨૦ હજાર ટ્રાન્સફર કરો તો કામ થઇ જશે તેમ કહી રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.થોડીવાર બાદ તેણે કહ્યું હતું કે,સાહેબ અને છોકરી માનતા નથી.બીજા ૬૦ હજાર માંગે છે.તમે વિચાર કરી લો,શું કરવું છે.વાલીએ બીજા રૃ.૬૦ હજાર મોકલ્યા હતા.ગઠિયાએ ફરી ફોન કરી હજી એક સાહેબનો વ્યવહાર રહી જાય છે..તેને નહિં સાચવીએ તો માથાકૂટ થાય તેમ છે..તેમ કહી બીજા રૃ.૨૦ હજાર મંગાવ્યા હતા.
વાલીએ રૃ.૧ લાખ ચૂકવ્યા બાદ શંકા જતાં પુત્રને ફોન કર્યો હતો.પરંતુ તેણે તો પહેલી જ રિંગમાં ફોન રિસિવ કરી લીધો હતો અને આવું કાંઇ બન્યું જ નથી તેમ કહેતાં વાલીને ઠગાયા હોવાનું જણાયું હતું.જેથી તેમણે સાયબર સેલને જાણ કરી છે.