ભોપાલમાં પરિવારને સામૂહિક આપઘાત માટે મજબૂર કરનાર ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગને વડોદરા લવાશે

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ભોપાલમાં પરિવારને સામૂહિક આપઘાત માટે મજબૂર કરનાર ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગને વડોદરા લવાશે 1 - image

ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરના સાગરીતો પકડાયા બાદ હવે પોલીસ મધ્ય પ્રદેશની જેલમાં રખાયેલી વધુ એક ગેંગને પણ વડોદરા લાવશે.આ ગેંગને કારણે ભોપાલના પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો.

વડોદરાના એક યુવક સાથે પાર્ટ ટાઇમ જોબ  આપવાને નામે ઓનલાઇન ઠગાઇનો બનાવ બન્યો હતો.જેમાં તેણે રૃ.૨૧ લાખ ગુમાવતાં સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.આ પ્રકરણમાં દુબઇ અને અન્ય દેશોમાંથી નેટવર્ક ચલાવતી ગેંગના મોહરાં બની તેમને  બેન્ક એકાઉન્ટની સવલતો કરવામાં મદદરૃપ થનાર અમદાવાદ,ગાંધીનગર અને ભાવનગરના સાત સાગરીતો પકડાયા હતા.

દરમિયાનમાં વડોદરાના યુવકના રૃ.૨૧ લાખ પૈકી રૃ.૩ લાખ મધ્યપ્રદેશના એક બેન્ક એકાઉન્ટમાં પણ ગયા હતા.જે બેન્કના એકાઉન્ટની વિગતો સાયબર સેલે મેળવતાં આ એકાઉન્ટનો ઉપયોગ કરનાર મધ્યપ્રદેશની ગેંગના પાંચ સાગરીતો પકડાયા હોવાની વિગતો મળી છે.

મધ્યપ્રદેશની ગેંગનો પણ  ગુજરાતની ગેંગની જેમ મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.દુબઇથી ઓપરેટ થતા નેટવર્કમાં ભોપાલના ભૂપેન્દ્ર વિશ્વકર્મા ફસાયા હતા અને તેમની પાસે રૃ.૧૭લાખની માંગણી કરી બ્લેકમેલ કરવામાં આવતા હોવાથી તેમણે પત્ની રીતુ(૩૫),પુત્ર ઋષિરાજ(૯) અને ઋતુરાજ(૩) સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો.જે કેસમાં મધ્ય પ્રદેશ પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડયા હતા.

એસીપી હાર્દિક માંકડિયાએ કહ્યું હતું કે, આ કેસમાં પકડાયેલા આરોપીઓ શારીક બેગ,મો.ઉબેઝખાન,અરસદ બેગ,શાહજહાં અને ફરહાન રહેમાન દ્વારા ખોલવામાં આવેલા બેન્ક એકાઉન્ટમાં વડોદરાના યુવકના રૃ.ત્રણ લાખ જમા થયા હોવાથી આ ગેંગને વડોદરા લાવવા માટે ટ્રાન્સફર વોરંટ મેળવવામાં આવ્યું છે.

ભોપાલમાં પરિવારને સામૂહિક આપઘાત માટે મજબૂર કરનાર ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગને વડોદરા લવાશે 2 - imageભોપાલમાં આપઘાત કરનાર પરિવારના રૃપિયા અમાયરા ટ્રેડર્સમાં 

જમા થયા તેમાં જ વડોદરાના યુવકના રૃપિયા પણ જમા થયા હતા

ભોપાલમાં સામૂહિક આપઘાત કરનાર પરિવારના રૃપિયા જે ખાતામાં ગયા હતા તે જ ખાતાનો ઉપયોગ વડોદરાના યુવક માટે કરવામાં આવ્યો હોવાની માહિતી બહાર આવી છે.

પોલીસના કહ્યા મુજબ,વડોદરાના યુવકે રૃ.૨૧ લાખ ગુમાવ્યા તેમાં જેટલા ટ્રાન્ઝેક્શન થયા તેની ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવી રહી છે.આ પૈકી રૃ.૩લાખ અમાયરા ટ્રેડર્સના એકાઉન્ટમાં ગયા હતા.

ભોપાલમાં ભૂપેન્દ્ર વિશ્વકર્મા અને તેની પત્નીએ પહેલાં બે બાળકોને દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે ફાંસો ખાઇ લીધો હતો.તેમની સાથે જોબના નામે થયેલી ઠગાઇમાં પણ અમાયરા ટ્રેડર્સનો ઉપયોગ થયો હોવાની વિગતો  બહાર આવતાં પોલીસ આ ગેંગને વડોદરા લાવશે.

દુબઇ ઉપરાંત ચાઇના,મલેશિયા અને હોંગકોંગમાંથી નેટવર્ક ચાલતું હતું

ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગનું નેટવર્ક વાયા દુબઇ થઇ અન્ય દેશોમાં છવાયેલું હોવાની વિગતો જાણવા મળી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ગુજરાત ઉપરાંત બીજા છ રાજ્યોમાં થયેલી ઓનલાઇન ઠગાઇના કિસ્સામાં કેટલીક ચોંકાવનારી માહિતી મળી છે.

આ ગેંગ દ્વારા બોગસ બેન્ક એકાઉન્ટની કિટ માટે સ્થાનિક લોકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.બેન્ક એકાઉન્ટની કિટ વાયા દુબઇ થઇ ચાઇના,હોંગકોંગ અને મલેશિયામાં પહોંચતી હોય છે.આ કિટ પહોંચાડવાની ચેનલમાં સામેલ ગુજરાતના એક એજન્ટનું નામ ખૂલ્યું છે.


Google NewsGoogle News