વડોદરાના હેલ્થ વિભાગના ઓફિસરને ઓનલાઇન ઠગોએ ઝાંસામાં લીધા,32.50 લાખ પડાવ્યાઃ બેન્કમાં જઇ ટ્રાન્સફર કરી આવ્યા
વડોદરાઃ વડોદરાના હેલ્થ વિભાગના એક અધિકારીને ઓનલાઇન ઠગોએ બેંગકોકના પાર્સલમાં ડ્રગ્સ મળી હોવાનું કહી સકંજામાં લીધા બાદ રૃ.૩૨.૫૦ લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
૫૨ વર્ષના અધિકારીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૯મી મે એ મને ડીએચએલ કુરિયર કંપનીના નામે ફોન આવ્યો હતો.જેમાં તેણે બેંગકોક મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળી હોવાથી તપાસની સંમતિ આપો તો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરીએ તેમ કહ્યું હતું.જેથી મેં સંમતિ આપતાં થોડી વારમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો અને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી.
અધિકારીએ કહ્યું છે કે,થોડીવાર બાદ લેન્ડલાઇન પરથી બીજો કોલ આવ્યો હતો અને પાર્સલના ઇન્વેસ્ટિગેશનમાં સહકાર નહિં આપે તો ધરપકડ કરીશું તેમ કહ્યું હતું.જેથી મેં તેમના કહેવા મુજબ સ્કાઇપી ડાઉનલોડ કરી વીડિયો મારફતે નિવેદન આપ્યું હતું.તેમણે મને સીબીઆઇનો લેટર મોકલી ડરાવીને તમારા એકાઉન્ટમાં ફ્રોડના રૃપિયા છે,તપાસ થાય ત્યાં સુધી આ રકમ અમારા ખાતામાં રહેશે તેમ કહેતાં બીજે દિવસે મેં બેન્કમાં જઇને રૃ.૨૫ લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ના નામે નિવેદન લેતા ઠગોએ મારી મિલકતની પણ માહિતી લીધી હતી.તેમણે એચડીએફસીના એકાઉન્ટમાં રૃ.૭.૫૦ લાખ જમા કરાવવાનું કહેતાં મારા ભાઇ પાસે રકમ લઇ ટ્રાન્સફર કરી હતી.ત્યારપછી પણ તેમણે લીગલ સ્યોરિટી ઇન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ મોકલી રૃ.૧૦ લાખ ટ્રાન્સફર કરવા કહેતાં મને શંકા ગઇ હતી અને સાયબર સેલને જાણ કરતાં પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસની બેવડી નીતિ,સાયબર સેલે અધિકારીના નામ પર પડદો નાંખ્યો
ઓનલાઇન ઠગાઇનો ભોગ બનેલા હેલ્થ વિભાગના એક અધિકારીએ કરેલી પોલીસ ફરિયાદના કિસ્સામાં સાયબર સેલે અધિકારીનું નામ જાહેર નહિં કરવાનો નિર્ણય લીધો હતો.
સામાન્ય રીતે ફ્રોડના કેસોમાં પોલીસ દ્વારા એફઆઇઆર ઓનલાઇન કરવામાં આવે છે,જેથી ભોગ બનેલા મહિલા કે પુરૃષના નામો જાહેર થતા હોય છે.જ્યારે,બળાત્કાર કે મહિલાની છેડતી જેવા કેસોમાં એફઆઇઆર ઓનલાઇન કરવામાં આવતી નથી અને સેન્સિટિવ દર્શાવવામાં આવતી હોય છે.
પરંતુ,હેલ્થ વિભાગના અધિકારીના કેસમાં પોલીસે એફઆઇઆરને સેન્સિટિવ દર્શાવી તેમનું નામ જાહેર નહિં કરવાનો નિર્ણય લીધો છે.આ અંગે સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે કહ્યું હતું કે,ઉપરોક્ત બનાવ બન્યા બાદ રૃપિયા ગુમાવનાર અધિકારીને હાર્ટની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ થયા છે.આ ઉપરાંત સુરક્ષાના કેટલાક કારણસર પણ તેમનું નામ જાહેર કર્યું નથી.પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કહ્યું હતું કે,હું આ અંગે તપાસ કરાવીશ.
ઝાંસામાં લેવા ઠગોએ સીબીઆઇ, સાયબર ક્રાઇમના બનાવટી લેટર્સ મોકલ્યા
ઓનલાઇન ઠગોએ વીડિયોગ્રાફીના સ્ટેટમેન્ટમાં પોતાનો કેમેરો બંધ રાખ્યો
અધિકારીને ઝાંસામાં લેવા માટે ઠગોએ એવી તરકીબો અપનાવી હતી કે તેઓ વિશ્વાસમાં આવી ગયા હતા અને ગભરાઇને ઠગોના કહેવા મુજબ કર્યું હતું.
પોલીસના કહ્યા મુજબ,ઠગોએ વીડિયો ગ્રાફી સ્ટેટમેન્ટ લીધું હતું અને આ માટે સ્કાઇપી ૨૪ કલાક ચાલુ રાખવા કહ્યું હતું. તેમણે પોતાની ઓળર છતી ના થાય તે માટે કેમેરો બંધ રાખ્યો હતો.
આ ઉપરાંત તેમણે સીબીઆઇના નામનો લેટર મોકલી તપાસની સંમતિ માંગી હતી. આવી જ રીતે મુંબઇ સાયબર ક્રાઇમના લોગો વાળો પણ એક લેટર મોકલી બેન્ક ખાતાની ખરાઇ કરી લીધી હોવાનું કહ્યું હતું.જ્યારે, લીગલ સ્યોરિટી ઇન્સ્ટ્રક્શન સર્ટિફિકેટના નામે પણ એક પત્ર મોકલ્યો હતો.