ઓનલાઈન ઠગોનો ધમધોકાર વેપલો, ત્રણ દિવસમાં 1.84 કરોડના ટ્રાન્જેક્શન

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
ઓનલાઈન ઠગોનો ધમધોકાર વેપલો, ત્રણ દિવસમાં 1.84 કરોડના ટ્રાન્જેક્શન 1 - image


- વડોદરાના યુવતીએ પાર્ટ ટાઈમ જોબના નામે 8 લાખ ગુમાવ્યાના બનાવમાં ગેંગ પકડાઈ

વડોદરા,તા.2 જાન્યુઆરી 2023,મંગળવાર

વડોદરા સાયબર સેલે ઓનલાઈન ઠગાઈ કરતી વધુ એક ગેંગનો પર્દાફાશ કરી અમદાવાદ દિલ્હીથી પાંચ સાગરીતોને ઝડપી પાડ્યા છે. નોંધપાત્ર બાબત એ ખુલી છે કે ખૂબ જ ઓછું ભણેલા ઓનલાઇન ઠગોએ માત્ર ત્રણ દિવસમાં જ 1.84 કરોડના ટ્રાન્જેક્શન કરી લીધા છે.

વડોદરાની અમી સુરાણી નામની યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકી દ્વારા ઓનલાઇન ટાસ્ક આપી રોજના 1500 થી 3000 સુધી કમાવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી. જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી. અમીના ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું. યુવતીએ રોકડા 8 લાખ ભરી દીધા બાદ 10 લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી.

સાયબર સેલના એસીપી દ્વારા બે પીઆઇની ટીમ બનાવી બેન્ક એકાઉન્ટ તેમજ કોલ્સ ડિટેલના આધારે ઠગ ટોળકીનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું. પોલીસે ગેંગના પાંચ સાગરીતોને દબોચી લીધા છે. તેમની તપાસમાં 13 રાજ્યોમાં માત્ર ત્રણ દિવસમાં 1.84 કરોડના ટ્રાન્જેક્શન કર્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

પોલીસે પકડેલા આરોપીઓ ખૂબ ઓછું ભણેલા છે અને તેમના નામો આ મુજબ છે. (1) ઉત્પલ દુખી રામ દોલાઈ(કાલુપુર,અમદાવાદ) (2) દીપેશ મનુભાઈ પટેલ (ચાણક્ય બ્રિજ પાસે,અમદાવાદ) (3) પટેલ મિતેશ ભીખાભાઈ (મોબાઈલની દુકાન ગોતા અમદાવાદ) (4) સૌરભ ઉર્ફે પુરુષોત્તમ જામુલકર (કારધા જિ.ભંડારા, મહારાષ્ટ્ર) અને (5)રામ હારી ઉર્ફે રામ પાંડવાં શાહુ(બ્રોકર-ફેઝ-3, દિલ્હી) નો સમાવેશ થાય છે.

પોલીસે ગેંગ પાસેથી 9 મોબાઈલ, વાઇફાઇના બે રાઉટર અને બે ડાયરી કબજે કરી છે.


Google NewsGoogle News