મર્ડર બાદ સરદાર ભવનનો વન વે ભૂલભરેલો, ફાયર સેફ્ટીના નામે દુકાનદારોને હેરાનગતિઃધારાસભ્યની રજૂઆત
વડોદરાઃ વડોદરા શહેર પોલીસ એડવાઇઝરી કમિટિની મીટિંગમાં શહેરના સામાન્ય નાગરિકોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.પોલીસ કમિશનરે દરેક મુદ્દાની નોંધ લઇ ત્યાં હાજર અધિકારીઓને ઉકેલ લાવવાની તાકિદ કરી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આજે પોલીસ એડવાઇઝરી કમિટિની મીટિંગ બોલાવી હતી.જેમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે હત્યાનો બનાવ બન્યા બાદ વન વે કરવાનો નિર્ણય આવકાર દાયક હોવાનું પરંતુ તે ભૂલભરેલો હોવાથી તેમાં સુધારો કરવા માટે રજૂઆત કરી હતી.તેમણે કહ્યું હતું કે,સામાન્ય રીતે સરદાર ભવનના ખાંચામાં એન્ટ્રી લઇને વાહનો કારેલીબાગ તરફ જતા હોય છે.જેથી તે મુજબ ફેરફાર કરવામાં આવે તો રાહત થાય તેમ છે.
તેમણે ટ્રાફિક માટે અડચણરૃપ હોય તેવા લાંબા સમયથી પાર્ક થયેલા વાહનો જપ્ત કરવા માટે પણ સૂચન કર્યું હતું.જ્યારે, રાજકોટના બનાવ બાદ ફાયર સેફ્ટીના નામે નાના દુકાનદારોને કઇ રીતે હેરાન કરવામાં આવે છે તેની પણ રજૂઆત કરી હતી.નાની દુકાનોમાં ફાયરના સિલિન્ડર મૂકી શકાય પરંતુ મોટા સાધનો અને ટાંકી નાંખવાનું શક્ય નથી.જેને કારણે ધંધા રોજગાર પર અસર થાય તેમ છે.આ ઉપરાંત રૃ.૪ થી ૬ લાખ પડાવવા એજન્ટો પણ સક્રિય બની ગયા છે.
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ પણ કોર્પોરેશનને ખાખી વર્દીનો પાવર મળે તો સારા એવા એક્શન લઇ શકાય તેમ છે તેમ કહી વિવિધ મુદ્દાની છાણાવટ કરી હતી.પોલીસ કમિશનરે તમામના સૂચનોની નોંધ લીધી હતી.