દિવાળીના તહેવાર દરમિયાન સરકારી કચેરીમાં આગ લગાવવાના કેસમાં એક પકડાયો
જમીન સંપાદન અને મધ્યાહ્ન ભોજન યોજના કચેરીના કાગળો આગમાં બળી ગયા હતા
વડોદરા,જમીન સંપાદન અને મધ્યાહ્ન ભોજન યોજના કચેરીમાં આગ લગાડી અગત્યના દસ્તાવેજો બાળી નાંખવાના કેસમાં રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક શકમંદને ઝડપી પાડયો છે.
કોઠી બિલ્ડીંગમાં પહેલા માળે ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી એકમ - ૧ની કચેરી છે. અમારી કચેરીની સામે મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી છે. ગત તા.૧૦મી નવેમ્બરે સાંજે કિરણ પ્રજાપતિએ ઓફિસ બંધ કરી હતી. દિવાળીની રજા દરમિયાન આ ઓફિસમાં આગ લાગી હતી.ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી. આગમાં રૃમ નંબર - ૫૭માં મૂકેલું રેકર્ડ બળી ગયું હતું. તેમજ ગેલેરીમાં મૂકેલા રેકર્ડના પોટલા પણ અડધા બળી ગયા હતા. તેમજ મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીના અગત્યના દસ્તાવેજો બળી ગયા હતા. કોઇ શખ્સે અગત્યના દસ્તાવેજોનો નાશ કરવા માટે આગ લગાડી હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદારે નોંધાવી હતી. દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ.પૂજા તિવારીએ આ વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ચેક કરતા એક શકમંદ દેખાયો હતો. તેના ફોટાના આધારે પોલીસની ટીમે અલગ - અલગ વિસ્તારમાં તપાસ કરતા શકમંદ આકાશ પકડાયો હતો. તે ખાનગી ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. આગ લગાડવા પાછળનું કારણ જાણવા માટે પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.