બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત
આંકલાવના આસરમા બસ સ્ટેન્ડ પાસે
હઠીપુરાનો યુવક વડોદરા જતો હતો : અકસ્માત સર્જનારા અન્ય બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો
આણંદ: આંકલાવ તાલુકાના આસરમા બસ સ્ટેન્ડ નજીક ગઈકાલ સાંજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આંકલાવ તાલુકાના હઠીપુરા સીમમાં રહેતા મહેશભાઈ વિનુભાઈ પરમારના પિતરાઈ ભાઈ અર્જુનભાઈ નટુભાઈ પરમાર (ઉં.વ.૩૦) ગત સોમવારના રોજ સાંજે પોતાની મોટરસાયકલ લઈને વડોદરા જવા નીકળ્યા હતા. દરમ્યાન તેઓની મોટરસાયકલ આસરમા ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી અન્ય એક મોટરસાયકલના ચાલકે અર્જુનભાઈની મોટરસાયકલને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં અર્જુનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર મોટરસાયકલના ચાલક તેમજ પાછળ બેઠેલા અન્ય એકને પણ વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત અંગે ૧૦૮ને જાણ થતાં ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માત સર્જનારા મોટરસાયકલના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.