રેલવે પ્રવાસીઓનાં બેંક ખાતા ખાલી કરતી ટોળકી ઃ એકની ધરપકડ
રેલવે સ્ટેશન પર આવેલા આર્મીમેન પાસેનો મોબાઇલ, કાર્ડ તફડાવ્યા હતાં ઃ દિલ્હીનો એક ઠગ હજી ફરાર
વડોદરા, તા.18 રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇને બેસેલા પ્રવાસીઓને વાતોમાં ભોળવી તેમના મોબાઇલ ફોન તેમજ એટીએમ કાર્ડ સેરવી લઇ બેંકખાતા ખાલી કરતી ટોળકીના એક સભ્યને રેલવે પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ફરાર છે. આ ભેજાબાજોએ બે પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા હોવાનું પ્રાથમિક બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશના સતના ખાતેનો મૂળ વતની પરંતુ હાલ ભુજના માધાપર ખાતે સુરભી કોમ્પ્લેક્સમાં રહેતા તેમજ ખાનગી કંપનીમાં પ્રોડક્શન એન્જિનિયર તરીકે નોકરી કરતાં સંજય હિરાલાલ કુશ્વાહા કંપનીમાં રજા લઇને પોતાના વતન જવા માટે ગાંધીધામથી ટ્રેન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન આવ્યા હતા અને વડોદરાથી સતના જવા માટે રાત્રિની ટ્રેન હોવાથી તેઓ રેલવે સ્ટેશનના બાકડા પર બેઠા હતાં. આ વખતે એક શખ્સ આવીને નજીક બેઠો હતો અને ક્યાં જવાનું તેમ કહી વાતની શરૃઆત કરી વિશ્વાસ કેળવ્યો હતો.
થોડા સમય બાદ એક અન્ય શખ્સ આવ્યો હતો અને વડોદરામાં મારા શેઠે પૈસા નહી આપતા હું ચોરી કરીને આવ્યો છું, મારે બિહાર જવાનું છે. મારી પાસે ચોરીના પૈસા છે તેને બેંકમાં જમા કરાવવા છે મને તમે ટિકિટ કરાવી આપો તેમ કહ્યું હતું. જેથી બાકડા પર બેસેલા શખ્સે આપણે બેંકમાં છીએ તેમ તેને કહીને તેની પાસેની રકમ લીધા બાદ અડધી કરી દઇશું તેમ જણાવતા સંજયને લાલચ જાગી હતી અને હા પાડી હતી.
બાદમાં બાકડા પર બેસેલા શખ્સે હું બેંક મેનેજર છું તેમ કહી મારો મોબાઇલ લીધો હતો અને તેમાં એપ્લિકેશનમાં કેટલાંક ટ્રાન્ઝેક્શન કરી બાદમાં હું આને ટિકિટ અપાવી ટ્રેનમાં બેસાડી આવું છું તેમ કહી બંને નીકળી ગયા હતાં. અડધા કલાક સુધી બંને પરત નહી આવતાં સંજયે ફોન લેવા બેગ ખોલી તો ફોન તેમજ મની પર્સ સહિતનો સામાન ન હતો. બાદમાં જાણ થઇ હતી કે પોતાના સ્ટેટ બેંકના એકાઉન્ટમાંથી રૃા.૯૫ હજાર ઉપડી ગયા છે. આ અંગે સંજય કુશ્વાહા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો ત્યારે એક શખ્સને પોલીસે પકડેલો હતો જેેને જોતાં જ સંજય ઓળખી ગયેલ. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા શખ્સનું નામ આઝાદખાન ગુલામહુસેન ખાન (રહે.બવાના, જેજે કોલોની, નોર્થ દિલ્હી) છે જ્યારે તેના સાગરીતનું નામ રિયાઝએહમદ નાસીરએહમદ શેખ છે.