વડોદરાના લોકોને વધુ એક વંદે ભારત ટ્રેન મળી
વડોદરાના લોકોને આજથી બીજી વંદે ભારત ટ્રેન મળી હતી.અમદાવાદ અને મુંબઈ વચ્ચેની નવી વંદે ભારત ટ્રેનને આજે પીએમ મોદીએ અમદાવાદથી લીલી ઝંડી આપી હતી.આ ટ્રેન આજે સવારે ૧૦-૪૫ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી.
કરજણ ખાતેની લિલોડ સરકારી સ્કૂલના ૪૭ વિદ્યાર્થીઓ તેમજ વડોદરાની ગતિ શક્તિ યુનિવર્સિટીના ૭૦ વિદ્યાર્થીઓે વડોદરાથી સુરત સુધી આજે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી.ટ્રેનની અત્યાધુનિક સુવિધાઓએ વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા.
અમદાવાદથી મુંબઈ વચ્ચે સપ્તાહમાં રવિવારને બાદ કરતા ૬ દિવસ દોડશે.આ ટ્રેન રોજ સવારે ૭ વાગ્યે વડોદરા આવશે અને મુંબઈથી અમદાવાદ જતી વખતે રાત્રે ૮-૧૬ વાગ્યે વડોદરા આવશે.ટ્રેન ત્રણ મિનિટ માટે વડોદરા ઉભી રહેશે.
વડોદરા નજીક ડભોઈ ખાતે ૧૮૪ કરોડ રુપિયાના ખર્ચે બનેલા ઈલેક્ટ્રિક લોકો શેડનુ પણ આજે પીએમ મોદીએ લોકાર્પણ કર્યુ હતુ.આ લોકો શેડમાં ૬૦ જેટલા થ્રી ફેઝ ઈલેક્ટ્રિક લોકોેમોટિવ રિપેર કરવાની ક્ષમતા છે.
સાથે સાથે વડોદરા સહિતના વડોદરા રેલવે ડિવિઝનના પાંચ રેલવે સ્ટેશનો પર વન નેશન, વન પ્રોડકટસ અભિયાનના ભાગરુપેના પાંચ સ્ટોલ તથા અંકલેશ્વર ખાતે જન ઔષધિ કેન્દ્રનુ પણ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.