રિફાઈનરીમાં નજીકની અન્ય એક ટાંકીમાં પણ બ્લાસ્ટ સાથે આગ
વડોદરાઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીમાં બપોરે ૩-૩૦ વાગ્યે બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો અને આ ટેન્કમાં લાગેલી આગ બૂઝાવવાની કામગીરી ચાલુ જ છે ત્યારે નજીકની એક ટાંકીમાં રાત્રે ૮-૨૦ વાગ્યે બીજો બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી.આ બ્લાસ્ટનો અવાજ પણ રિફાઈનરીની બહાર સુધી સંભળાયો હતો અને આગના મોટા ભડકા પણ જોવા મળ્યા હતા.
આ બ્લાસ્ટ સાથે જ ટાંકીમાં આગ ભભૂકી ઉઠી હતી અને આ દરમિયાન પહેલી ટાંકીમાં લાગેલી આગ બૂઝાવવાની કામગીરી ચાલી જ રહી હતી.અને તેમાં જોડાયેલા બે કર્મચારીઓને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે આગ બીજી ટાંકી સુધી પ્રસરી હોવાથી હવે રિફાઈનરીની સાથે સાથે વડોદરાનુ તંત્ર પણ અધ્ધરજીવે થઈ ગયું છે.આગ બૂઝાવવા માટેના પ્રયાસોને વધારે તેજ બનાવાઈ રહ્યા છે.
સૂત્રોએ કહ્યું હતું કે, જેમાં આગ લાગી છે તે પ્રમાણમાં નાની ટેન્ક છે અને મોટી ટાંકીઓ સુધી હજી આગ પહોંચી નથી પરંતુ અત્યારે સ્થિતિ ચિંતાજનક કહી શકાય તેવી તો છે જ.