ફાર્માસિસ્ટ કેટેગરીના પેપર અંગે પણ વિવાદ સર્જાતા તપાસનો આદેશ
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત રવિવારે આરોગ્ય વિભાગની વિવિધ કેટેગરીની ૧૬૨ જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષાને લઈને હવે વધુ એક વિવાદ સર્જાયો છે.
વિવિધ જગ્યાઓ પૈકી ફાર્માસિસ્ટ કેટેગરીની ૨૦ જેટલી જગ્યાઓ માટે ચાર અલગ અલગ સિરિઝના પેપર સેટ કરવામાં આવ્યા હતા.આ પરીક્ષા આપનાર એક વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે કે એ સિરિઝના પેપરમાં બી, સી અને ડી સિરિઝના પેપર કરતા અલગ સવાલો પૂછવામાં આવ્યા હતા.ચારે પેપરમાં સવાલો ભલે અલગ ક્રમમાં હોય પણ સવાલો એક સરખા હોવા જોઈએ.આ નિયમનો ભંગ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે એ સિરિઝના પેપરમાં પૂછાયેલા સવાલો અઘરા હતા અને બાકીના ત્રણ પેપરના પ્રશ્નો સરળ હતા.આમ જેમના ભાગે એ સિરિઝનુ પેપર ગયુ હતુ તેમને અન્યાય થયો છે અને એટલે ફાર્માસિસ્ટ કેટેગરીની પરીક્ષા ફરી લેવામાં આવે.આ એક ગંભીર ભૂલ છે અને કદાચ તેના કારણે જ પરીક્ષા લેવાયાના ત્રણ દિવસ પછી પણ તેની આન્સર કી જાહેર કરવામાં આવી નથી.આ પરીક્ષા રદ કરીને ફરી વખત પરીક્ષા લેવામાં આવે.
બીજી તરફ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યુ હતુ કે, આ બાબતે અમને લેખિત નહીં પણ મૌરિક રજૂઆત મળી છે અને આ બાબતની તપાસ કરવા માટે સબંધિત એજન્સીને સૂચના આપવામાં આવી છે.પેપરમાં પૂછાયેલા પ્રશ્નોનુ સ્તર એક સરખુ હતુ કું નહીં તેની જાણકારી મેળવવામાં આવશે.જરુર પડશે તો આગળ કાર્યવાહી કરાશે.
ઓએમઆર શીટ બદલાઈ જવાના મામલામાં ડીઈઓની ક્લિન ચીટ
કોર્પોરેશનના આરોગ્ય વિભાગની જગ્યાઓ પર ભરતી કરવા માટે રવિવારે લેવાયેલી પરીક્ષા દરમિયાન શહેરના નાલંદા સ્કૂલના એક પરીક્ષા કેન્દ્ર પર ઓએમઆર શીટ બદલાઈ જવાનો આક્ષેપ કરીને કેટલાક ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.૧૫૮ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી નહોતી.
સમગ્ર મામલામાં કોર્પોરેશન દ્વારા ડીઈઓ કચેરીને તપાસ સોંપવામાં આવી હતી.જેનો અહેવાલ આજે ડીઈઓ રાકેશ વ્યાસ દ્વારા કોર્પોરેશનને સુપરત કરી દેવાયો છે.જેને લઈને ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યુ હતુ કે, રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ મામલામાં કેન્દ્ર સંચાલક કે સુપરવાઈઝરની કોઈ ભૂલ નહોતી.તેમને ક્લીનચીટ આપવામાં આવી છે.પરીક્ષામાં ઓએમઆર શીટ અને પેપર પરના નંબર સરખા હોવા જરુરી નહોતા.
ડીઈઓના રિપોર્ટમાં કહેવાયુ છે કે, ઉમેદવારોને પેપર લખવા માટે સમજાવવામાં પણ આવ્યા હતા અને તેમને વધારાનો સમય આપવાની પણ તૈયારી બતાવાઈ હતી.જોકે ઉમેદવારો એકના બે થયા નહોતા અને તેમણે પરીક્ષા આપવાની જગ્યાએ ચર્ચામાં ઉતરવાનુ વધારે પસંદ કર્યુ હતુ.