દહેગામમાં કોલેરાનો વધુ એક કેસ મળ્યો : બારૈયાની મહિલા સપડાઇ
શહેરી વિસ્તારમાં પરિસ્થિતિ સુધારા ઉપર
દહેગામ શહેરમાં ફાટી નિકળેલો રોગચાળો કાબુમાં દર્દીની હિસ્ટ્રી તપાસી તંત્રએ કામગીરી હાથ ધરી
દહેગામ શહેરમાં એસટી ડેપો પાછળના ખાડા વિસ્તારમાં કોલેરાનો
રોગચાળો ફાટ નિકળ્યા બાદ આરોગ્ય તંત્રની સાથે વહિવટી તંત્ર પણ દોડતું થઇ ગયું
હતું. સઘન સફાઇ ઉપરાંત સર્વેલન્સની કામગીરી કરીને અહીં પરિસ્થિતિ સુધારા ઉપર છે.
તંત્રએ રોગચાળો કાબુમાં હોવાનો તથા છેલ્લા ત્રણ ચાર દિવસથી નવા શંકાસ્પદ કેસ પણ
પ્રકાશમાં નહીં આવતા હોવાનો દાવો કર્યો છે. તે વચ્ચે આજે દહેગામ તાલુકાના બારૈયા
ગામમાંથી કોલેરાનો વધુ એક કેસ મળી આવ્યો છે. બારૈયા ગામમાં આવેલા ખેતરમાં છુટા
છુટા ઘરોમાં રહેતા પરિવારની ૩૫ વર્ષિય મહિલાને અન્ય બિમારી માટે ગાંધીનગર સિવિલમાં
સારવાર માટે ખસેડવામાં આવી હતી તે દરમ્યાન તેણીને ઝાડા ઉલ્ટી થતા તબીબે તેણીનો
કોલેરાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરાઇ
હતી. આરોગ્ય તંત્ર દ્વારા પણ સાવચેતી અને તકેદારીના ભાગરૃપે ગામમાં વિઝીટ કરવામાં
આવી હતી અને આ મહિલા દર્દી જ્યાંથી પાણી પિતી હતી તેના પણ નમૂના લેવામાં આવ્યા
હતા. જો કે, આ
વિસ્તારમાં અન્ય કોઇ શંકાસ્પદ કેસ જણાયા નથી ત્યારે મહિલા દર્દીની હિસ્ટ્રી
તપાસીને આરોગ્ય તંત્ર દ્વારા સર્વે તથા નમૂનાની આગળની કામગીરી હાથ ધરશે.