સ્કૂટરની ડિકિમાં મૂકેલ એક લાખ રોકડની થયેલી તફડંચી
બે યુવતીઓએ બેંકમાંથી ઉપાડેલી રકમ ડિકિમાં મૂકી હતી
, તા.4 પ્રતાપનગર વિસ્તારની એક દુકાનમાં ખરીદી માટે ઊભી રહેલી બે યુવતીની નજર ચૂકવી એક્ટિવામાં મૂકેલ રોકડ રૃા.૧ લાખ તફડાવી ગઠિયો ફરાર થઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે પ્રતાપનગર વિસ્તારમાં નરસિંહ એસ્ટેટ ખાતે આવેલ તૃપ્તિ સેલ્સ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી સંજના કમલેશ જેઠવા (રહે.શિવમ કોમ્પ્લેક્સ, મકરપુરા) અને સાથે કામ કરતી મનિષા પટેલ બંને એક્ટિવા લઇને તા.૧ના રોજ બપોરે પ્રતાપનગર ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવ્યા હતાં અને સેલ્સ એજન્સીના ચેક મારફત રૃા.૧ લાખ ઉપાડયાં હતાં.
આ રકમ એક્ટિવાની ડિકિમાં મૂકી સંજના અને મનિષા બંને પ્રતાપનગર ત્રણ રસ્તા પાસે બાસારામ ટ્રેડર્સ નામની દુકાનમાં બિસ્કિટ તેમજ અન્ય વસ્તુઓ ખરીદવા ગયાં હતાં. બાદમાં બંને પોતાની ઓફિસ પહોંચ્યા ત્યારે ડિકિમાં મૂકેલ રૃા.૧ લાખ રોકડ, ચેકબુક અને સિક્કો ગાયબ હતાં. આ અંગે સંજનાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.