ગણેશ પંડાલ બાંધતા ૧૬ને વીજકરંટ લાગતાં ૧નું મોત
પંડાલનો પોલ લોખંડની એંગલ પર ૧૧ કેવીના તારને અડી જતા જોરદાર કરંટ લાગતા ૧૬ યુવાન દૂર ફંગોળાયા
પાદરા.પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા સમયે ૧૬ યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્યોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
પંડાલ બાંધતી વખતે લોખંડની એન્ગલ પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા આ ઘટના બની હતી. ગણેશ ઉત્સવને માત્ર ૩ દિવસ બાકી છે ત્યારે ગણેશના પંડાલના ડેકોરેશન સહીતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.ગત રાત્રીના ડબકા ગામે વેરાઈ ગણેશ મંડળ દ્વારા દર વર્ષની જેમ ગણેશજીની સ્થાપના કરવા માટે પંડાલ ઉભુ કરવાની કામગીરી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન એકાએક પંડાલનો પોલ લોખંડની એન્ગલ ઉપર આવેલ ૧૧ કે.વી. વીજળીના તારને અડી જતાં ૧૬ યુવાનોને વીજ કરંટનો ઝટકો લાગતા દૂર ફંગોળાયા હતા. જેમાંથી પ્રકાશ ડાહ્યાભાઈ જાદવ ઉર્ફે (સચીન) (ઉ. વર્ષ આશરે ૩૨)ને વધારે ગંભીર ઈજા થતાં બેભાન થઈ જતા ડભાસા ગામે આવેલી ક્રોસરોડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ડબકા ગામે છેલ્લા ૪૦ વર્ષથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે અને ૪૧ માં વર્ષની તૈયારીઓ કરી રહ્યા હતા. મંડળના યુવકો ૧૨ ફૂટની ગણેશ મૂર્તિ માટે ૧૫ ફૂટ ઉંચો પંડાલ બનાવી રહ્યા હતા. અંધારું હોવાથી પંડાલના લોખંડનો પોલ ૧૧ કેવી વીજલાઈનને અડી જતા આ ઘટના બની હતી.
ગણેશ મંડળના અગ્રણી મહેશ જાદવે જણાવ્યું હતું કે, યુવક મંડળ દ્વારા વડોદરામાં શ્રીજીની મૂર્તિ બુકિંગ કરાવેલી હતી અને શુક્રવારે વડોદરા મૂર્તિ લેવા માટે જવાના હતા પરંતુ મોડી રાત્રે બનેલી ઘટનાને પગલે ગામ આખું શોકાતુર થયું છે. મંડળ દ્વારા સોપારીની સ્થાપના કરી ગણેશ ઉત્સવ મનાવશે.