ગેસ રિફિલીંગના કેસમાં કોર્ટના ખર્ચ અંગે આરોપીઓ વચ્ચે તકરાર બાદ એકનું મોત
હુમલાનો આક્ષેપ : મૃતકની રિક્ષા પલટી જતા ગંભીર ઇજા થવાથી મોતની શક્યતા
વડોદરા,વી.આઇ.પી. રોડ પર ખાડામાં રિક્ષા પડતા પલટી ગઇ હતી. તેમાં રિક્ષા ડ્રાઇવરના પાંસળી તૂટી ગઇ હતી. અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકની પત્નીએ કરેલા આક્ષેપ અંગે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વીઆઇપી રોડ ખોડિયાર નગરમાં રહેતા ૩૬ વર્ષનો જીજ્ઞોશ જગદીશભાઇ ત્રિવેદીને આજે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્નીએ જણાવ્યું હતું કે, ગઇકાલે જયેશ ભરવાડે મારા પતિને માથામાં કડું મારતા ઇજા થઇ હતી. ત્યારબાદ આજે સવારે આઠ વાગ્યે તેઓ ઘરે હતા. ત્યારે અચાનક ઢળી પડતા તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર બાદ જીજ્ઞોશ ત્રિવેદીનું મોત થયું હતું.
હરણી પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, પાંચ વર્ષ પહેલા ગેસ રિફિલીંગનું કૌભાંડ પકડાયું હતું. તે કેસમાં જીજ્ઞોશ અને જયેશ ભરવાડ સહિત છ આરોપીઓ હતા. ગઇકાલે કોર્ટની મુદ્દત દરમિયાન તેઓ ભેગા થયા હતા. તે સમયે તેઓ વચ્ચે કોર્ટના ખર્ચ બાબતે તકરાર થતા ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા. ત્યારબાદ જીજ્ઞોશ રિક્ષા લઇને નીકળ્યો હતો. અને રિક્ષા ખાડામાં પડી જતા જીજ્ઞોશને પાંસળીમાં ગંભીર ઇજા થઇ હતી. તેના કારણે તેનું મોત થયું હોવાની શક્યતા છે. મૃતકને માથામાં કોઇ ઇજા જણાઇ નહતી. જોકે, પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.