For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા નજીક ટેન્કર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં પાંચના મોત, 30ને ઈજા

સાવલી તાલુકાના મોક્સી ગામે બાવાની મઢી પાસે બની ઘટના

નાનીનું ઘટના સ્થળે જ મોતઃ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજીમાં લઇ જવાયા

Updated: Apr 26th, 2024

વડોદરા નજીક ટેન્કર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં પાંચના મોત, 30ને ઈજા

Accident in Vadodara : આણંદના અડાસ ગામેથી વડોદરા નજીકના નટરાજ નગરે ભાણીયાની બાબરી પ્રસંગે આવતા પરિવારજનોના ટેમ્પાને સામેથી ઓવરટેક કરીને આવતા ટેન્કર ચાલકે ધડાકાભેર અથાડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં નાની સહિત પાંચના મોત નિપજ્યા છે. જ્યારે 30 લોકોને ઇજાઓ થઇ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના અડાસ ગામે રહેતો જશપાલસિંહ રંગીતસિંહ રાજ મંજુસર GIDCમાં નોકરી કરે છે. તેના કાકા ભાવસિંહની દીકરીઓ ઉર્મિલાબેન અને રામેશ્વરીબેનના લગ્ન શહેર નજીકના નટવરનગર ગામે થયા છે. રામેશ્વરીબેનના પુત્રની આજે બાબરી હતી. જેથી, અડાસ ગામેથી જયપાલસિંહ પ્રવિણસિંહ ગોહેલના આયશર ટેમ્પોમાં જશપાલસિંહના કુટુંબીજનો તથા તેના મમ્મી કેશરબેન રંગીતસિંહ રાજ સહિત ૫૦ લોકો ટેમ્પામાં બેસીને અડાસ ગામેથી નટવર નગર ગામ આવવા નીકળ્યા હતા. સવારે 9 વાગ્યે જશપાલસિંહ પોતાની બાઇક લઇને ટેમ્પાની આગળ નીકળ્યો હતો. ટેમ્પો પહોંચે તે પહેલા જશપાલસિંહ નટવર નગરમાં પહોંચી ગયો હતો.

દરમિયાન સાડા 10 વાગ્યે જશપાલની બહેન ભગવતીબેને ફોન કરીને તેને જાણ કરી હતી કે, મોક્સી ગામની સીમમાં સાંકરદાથી ભાદરવા રોડ પર આવતા બાવાની મઢી પાસે આયશર ટેમ્પોને અકસ્માત થયો છે. જેથી, જશપાલસિંહ તાત્કાલિક બાઇક લઇને ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેની મમ્મી કેશરબેનને જમીન પર સુવડાવી હતી. તે બેભાન હતી, કંઇ બોલતી નહતી. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને વારાફરતી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટેન્કર ચાલક અન્ય વાહનને ઓવરટેક કરતા સામેથી આવતા ટેમ્પામાં ઘુસી ગયો હતો. ત્યારબાદ તે ટેન્કર સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો. ભાદરવા પોલીસે ફરાર ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામજનોએ પણ દોડી આવી બચાવ કામગીરી કરી

સાવલી સાંકરદા રોડ પર આવેલ ચાયડા ગામ પાસે આજે સવારના સાડા દશ વાગ્યાની આસપાસ ટ્રક અને આયશર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. દર્દથી કણસતા બાળકો મહિલાઓ અને પુરૃષોની ચિચિયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. જેના પગલે નજીકમાં રહેતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ વાહનમાં ફસાઇ ગયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જવાની વ્યવસ્થા કરી હતી. એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ જે વાહન મળ્યું તેમાં ઇજાગ્રસ્તોને લઇ જવામાં આવ્યા હતા.

ફસાઇ ગયેલા ટેમ્પો ડ્રાઇવરને બહાર કાઢવા હાઇડ્રાની મદદ લેવાઇ

ટેન્કર એટલી સ્પીડમાં ટેમ્પા સાથે અથડાઇ હતી કે, ટેમ્પાનો ખુરદો બોલી ગયો હતો. ટેમ્પાનો ડ્રાઇવર જયપાલસિંહ ગોહેલ કેબીનમાં જ ફસાઇ ગયો હતો. પતરા વચ્ચે તે ફસાઇ ગયો હોવાથી હાઇડ્રાની મદદથી તેને એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જયપાલસિંહના પગમાં ગંભીર ઇજા થઇ હતી.

બંને વાહનોને ક્રેઇનથી રોડની સાઇડ પર કરાયા

અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બંને વાહનોના કારણે રોડ પરથી પસાર થતા અન્ય વાહનો પણ અટકી પડયા હતા. ભાદરવા પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ બંને અથડાયેલ વાહનોને ક્રેઈનની મદદથી રોડની સાઈડ પર કરી ટ્રાફિક પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

11 એમ્બ્યુલન્સ દર્દીઓને સારવાર માટે લઇ જવા કામે લાગી

અકસ્માતમાં 30થી વધુ લોકોને હાથે પગે અને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઇજાઓ થઇ હતી.ઈજાગ્રસ્તોને બહાર કાઢીને બાવાની મઢી ના ઓટલા પર સુવડાવ્યા હતા. દર્દથી કણસતા બાળકો અને પુરુષોને જોઈને હૃદય દ્રવી ઊઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા . ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા માટે વડોદરા આણંદ સહિત 108ની 11 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. જ્યારે બે એમ્બ્યુલન્સ સ્થાનિક કંપનીઓની બે ફાયર ફાઈટર તેમજ બે હાઇડ્રા મશીન સહિતની મશીનરી રેસક્યૂના કામે લાગી હતી. 

બાવાની મઢી પાસે 11 કેવીની વીજ લાઇન નમી પડી છે

બાવાની મઢી પાસેના એક કિલોમીટરના વિસ્તારમાં છાશવારે અકસ્માત થાય છે. સાથે સાથે GEBની 11 કે વી ની લાઈન પણ પસાર થાય છે જે ખૂબ જ નમેલી છે. જો આ અકસ્માતમાં વીજ થાંભલા સાથે વાહન ટકરાયું હોત તો મૃત્યુ આંક ઘણો ઊંચો ગયો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષ અગાઉ આ રોડ પર પસાર થતાં એક આઇસર ટેમ્પો વીજ લાઈન ને અડકી જવાથી બળીને ખાક અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે રોડ સાંકડો થયો છે

આ અકસ્માત બાબતે સ્થાનિક અગ્રણી હરદીપસિંહ મહિડા એ જણાવ્યું હતુ કે, સાવલી સાકરદા રોડ ની કામગીરી વેળાએ ફોર લેનરોડ બનાવ્યો છે. પરંતુ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે રોડ સાંકડો થયો છે. જ્યારે ચાયડા ગામ નજીક બાવાની મઢી પાસે રોડ સીંગલ પટ્ટી છે. જે રોડ પહોળો કરવામાં આવે તો અકસ્માત નિવારી શકાય. આ રોડને ફોર લેન બનાવવા માટે ખાનગી દબાણો દૂર કરી રોડ પહોળો કરવા અમારી માંગણી છે.

ચાર મહિલા અને એક પુરુષના મોત થયા

  • ગીરીશભાઈ રાજ (ઉં.વ.60)
  • રમીલાબેન દિલીપભાઈ (ઉ.વ.30)
  • શારદાબેન છત્રસિંહ રાજ (ઉ.વ.65)
  • કેસરબેન રણજીત સિંહ રાજ (ઉ.વ.54)
  • સાકરબેન દયાભાઈ પરમાર (ઉં.વ.60)
Gujarat