સમોસા માટે ગૌ માંસ પહોંચાડતો આણંદનો વધુ એક શખ્સ ઝડપાયો
ભાલેજ અને આણંદના બે યુવાનો ભાગીદારીમાં ગૌ માંસ વડોદરામાં સપ્લાય કરતા હતાં
વડોદરા, તા.10 છીપવાડ ચાબુક સવાર મહોલ્લામાં ગૌ માંસના સમોસા બનાવીને વેચતા પિતા - પુત્રને પોલીસે ઝડપી પાડયા બાદ તેઓને ગૌ માંસ સપ્લાય કરનાર બે ભાગીદાર વેપારીઓ પૈકી આણંદના વધુ એક ભાગીદારને સિટિ પોલીસે ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે મધ્યસ્થ છીપવાડમાં હુસેન મેન્સન બિલ્ડિંગમાં ગૌ માંસના સમોસા બનાવીને વેચતા પિતા મહંમદયુસુફ તેના પુત્ર મહંમદનઇમ તથા ચાર કારીગરો મહંમદહનિફ ગનીભાઇ ભઠીયારા, દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ, મોઇન મહેબૂબશા હબદાલ તથા મોબીન યુસુફભાઇ શેખને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓના રિમાન્ડ મેળવી પૂછપરછ દરમિયાન ગૌ માંસનો જથ્થો આણંદ નજીકના ભાલેજ ગામે રહેતા ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફભાઇ કુરેશી પાસેથી લાવ્યા હોવાનું કબૂલ કર્યુ હતું.
ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, સિટિ પોલીસે ઇમરાન ઉર્ફે દાહોદીની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇમરાન ઉર્ફે દાહોદી અગાઉ શહેરના પ્રતાપનગર તથા સયાજીગંજ વિસ્તારના કતલખાનામાં નોકરી કરતો હતો. તેણે છીપવાડના મહંમદયુસુફને અગાઉ ત્રણ વખત ગૌ માંસ સપ્લાય કર્યુ છે. આ ઉપરાંત ગૌ માંસ સપ્લાય કરવામાં તેનો ભાગીદાર મહંમદ ફરદીન કાસમભાઇ કુરેશી (રહે.કુરેશી મહોલ્લો, ખાટકીવાડ, આણઁદ) હોવાનું ખૂલ્યું હતું જેથી પોલીસે મહંમદ ફરદીનને પણ ઝડપી પાડયો હતો. આ સાથે ધરપકડનો આંક કુલ આઠ પર પહોંચ્યો છે. વડોદરામાં અન્ય કેટલા સ્થળે બંનેએ ગૌ માંસ સપ્લાય કર્યુ છે ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.