કુંટુંબી ભાઇના હુમલાની ફરિયાદ માટે જતાં ગાડી પલટી મારી ઃ યુવાન બેભાન
હાંસાપુરાનો યુવાન ચાર દિવસ બાદ ભાનમાં આવ્યો ઃ આખરે પાંચ સામે હુલ્લડની ફરિયાદ
વડોદરા, તા.30 વાઘોડિયા તાલુકાના બોડીદ્રા ગામે મિલકત બાબતે કુંટુંબી ભાઇ અને અન્યએ હુમલો કરતાં ઘાયલ યુવાન પોલીસ ફરિયાદ માટે જતો હતો ત્યારે તેની ગાડી પણ પલટી ખાતાં બેભાન થઇ જતા હોસ્પિટલ ખસેડાયો હતો.
વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામે રહેતા નવનીતસિંહ ઉર્ફે ભભો નટવરસિંહ ચૌહાણે ગામમાં જ રહેતા કુંટુંબીઓ દેવરાજસિંહ ઉર્ફે ભમો રણજીતસિંહ ચૌહાણ, દેવેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ રણજીતસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ, જશવંતસિંહ ઉર્ફે કાળો નરવતસિંહ ચૌહાણ અને સંજયસિંહ ઉર્ફે સૈલો નારણસિંહ ચૌહાણ સામે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ-૨૦૧૨માં મારા પિતાએ કાળુસિંહ રાજપુતની વાડા જમીન વેચાણ રાખી હતી અને તે અંગે કુંટુંબી ભાઇ વિરેન્દ્રસિંહ સાથે ઝઘડો ચાલે છે.
કોર્ટ દ્વારા અમારા તરફે હુકમ થતાં વિરેન્દ્રસિંહને મનદુઃખ થયુ હતું. તા.૨૨ના રોજ બોડીદ્રા ગામે અમરસિંહ પરમારના પુત્રનું લગ્ન હોવાથી અમો મારી ઇકો સ્પોર્ટ ગાડી લઇને લગ્નમાં ગયા હતાં. લગ્નમાં હાજરી આપી રાત્રે પરત હાંસાપુરા જતા હતા ત્યારે લગ્નમાં આવેલ વિરેન્દ્રસિંહ પણ પોતાની ફોર્ચ્યૂનર ગાડી લઇને અમારી પાછળ ઘેર જતો હતો. દરમિયાન રોડ પર અચાનક ઓવરટેક કરી મારી ગાડી ઊભી રખાવી હતી અને બહાર નીકળી વિરેન્દ્રસિંહ તેમજ તેની સાથેના માણસોએ પાઇપથી માર માર્યો હતો.
દરમિયાન કેટલાંક લોકો આવી જતા હુમલાખોરો ધમકી આપીને જતા રહ્યા હતાં. આ ઘટનાની ફરિયાદ નોધાવવા માટે હું જરોદપોલીસ સ્ટેશન જતો હતો ત્યારે મારી ગાડી પલટી ખાઇ જતાં મને ઇજા થતાં બેભાન થઇ ગયો હતો. ચાર દિવસ બાદ હું ભાનમાં આવ્યો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.