Get The App

એન્જિનિયરિંગની મહિલા લેક્ચરર પર તાંત્રિકનો વારંવાર બળાત્કાર

બોટાદ જિલ્લાના નાડીવૈદ્ય, આયુર્વેદિક ડોક્ટર, કર્મકાંડી બ્રાહ્મણ અને તાંત્રિકની ઓળખ આપતાં હવસખોર અમિત માંડલીયાની હવસલીલા ખુલ્લી પડી જતાં ફરિયાદ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
એન્જિનિયરિંગની મહિલા લેક્ચરર પર તાંત્રિકનો વારંવાર બળાત્કાર 1 - image

વડોદરા, તા.9 માઇગ્રેન, અનિદ્રા તેમજ માનસિક તણાવની બીમારીથી પીડાતી એન્જિનિયરિંગની એક મહિલા લેક્ચરરને બીમારીઓ દૂર કરવાની સલાહ આપી પોતાની જાતને નાડી વૈદ્ય અને આયુર્વેદિક ડોક્ટર તરીકે ઓળખ આપતા બોટાદ જિલ્લાના હવસખોરે વારંવાર દુષ્કર્મ ગુજારી લેક્ચરરના દાગીના તેમજ એક લાખ રૃપિયા રોકડા પડાવી લીધા હતાં.

પાદરા તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષની મહિલા લેક્ચરરે પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું એન્જિનિયરિંગમાં લેક્ચરર તરીકે વડોદરાની એક યુનિવર્સિટીમાં નોકરી કરતી હોવાથી મારી ઓળખ કે.જે. પોલિટેકનિકમાં નોકરી કરતાં ગીતા માંડલીયા સાથે થઇ હતી. વાસણારોડ ખાતે તેમના ઘેર હું વારંવાર જતી હતી. વર્ષ-૨૦૧૬માં તેમણે મારી ઓળખાણ તેમના ઘેર આવેલા અમિત ચમનલાલ માંડલીયા (રહે.સુંદરીયાણા ગામ, તા.રાણપુર, જિલ્લો બોટાદ) સાથે કરાવી હતી. તેમણે અમિત દૂરનો ભત્રીજો છે તેમ કહી તે નાડી વૈદ્ય અને આયુર્વેદિક ડોક્ટર છે, નાડી પારખવાનું સારી રીતે જાણે છે તેવી ઓળખ આપી હતી.

મહિલા લેક્ચરરે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ભરૃચની કોલેજમાં લેકચરર તરીકે નોકરી કરતી હતી ત્યારે ઘણી વખત ચક્કર આવતા તેમજ માથાનો અસહ્ય દુઃખાવો અને ઉલટીઓ જેવું થતાં મને માઇગ્રેનની બીમારી હોવાનું જણાતા તેની એસએસજીમાં સારવાર પણ કરાવી હતી. આ બીમારીના કારણે મેં અમિત માંડલીયાની સલાહ લેવાનું વિચાર્યું હતું અને ગીતાબેન પાસેથી ફોન નંબર મેળવી બીમારી અંગે અમિતની સલાહ મેળવી હતી. તેઓ મને અલગ અલગ દવાઓ આપતાં હતાં અને સાથે સાથે કાઉન્સિલિંગ પણ કરતા હતાં.

ઘરમાં રહેવાથી તબિયત બગડશે તેમ કહી તેઓ બહાર ફરવાની સલાહ આપતા અને  અમિત મારા ખર્ચે બહાર ફરવા મને લઇ જતો હતો. વડોદરાની યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે નોકરી કરતી ત્યારે હું અલકાપુરી વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં રહેતી હતી પરંતુ ત્યાંથી મારે મકાન ખાલી કરવાનું થતા પાદરા તાલુકાના એક ગામ પાસેની સોસાયટીના મકાનમાં ભાડેથી રહેવા માટે આવી હતી. આ સમય દરમિયાન અમિત માંડલીયા મારા ઘેર આવતો હતો. હું એકલી રહેતી હતી એટલે તે મને અમુક પ્રકારની સાધના કરવી પડશે તેમ જણાવી સૌપ્રથમ મારી મરજી વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો  હતો. હું એકલી રહેતી હતી અને સાથ આપવાવાળું કોઇ નથી તેનો ફાયદો ઉઠાવી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા  હતાં. હું ના પાડતી તો પત્ની તરીકે તારે સપોર્ટ કરવો તે તારી ફરજ છે તેમ કહેતો હતો.

અમિત માંડલીયા સોસાયટીમાં લોકોને પોતે આર્મીમાં છે અને અમે પતિ અને પત્ની છે તેવી ઓળખ આપતો હતો. તેણે મારા સર્ટિફિકેટ તેમજ અગાઉ ઘર છોડવા માટે મદદના બહાને મારી તિજોરીમાંથી સોનાની બે બુટ્ટીે તેમજ સોનાની ચેન અને મેડિકલ ફાઇલો લઇ લીધી હતી અને સારવારના નામે મારી પાસેથી એક લાખ રૃપિયા પણ પડાવ્યા  હતાં. વર્ષ-૨૦૧૯થી ૨૦૨૪ સુધી મારા પર અલગ અલગ મેલી વિદ્યા કરીને મને હેરાન કરતો હતો. છેલ્લે એપ્રિલ-૨૦૨૪માં મને જણાવેલ કે તમારી ગુરુની મહાદશા ચાલે છે તેમાં કૂંડલીમાં તમારો ગુરુ આઠમાં ઘરમાં છે મૃત્યુનું ઘર છે અને તેના માટે સ્મશાનમાં જઇને વીધી કરવી પડશે તમારે મારી સાથે આવવું પડશે તેમ કહ્યું હતું પરંતુ હું તેની સાથે ગઇ ન હતી.

ઉપરોક્ત વિગતો અંગે સૌપ્રથમ મહિલા લેક્ચરરે શહેર પોલીસમાં ફરિયાદ આપી હતી પરંતુ ગુનો વડોદરા જિલ્લાની હદમાં બન્યો હોવાથી પાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી હવસખોર શખ્સને ઝડપી પાડવાની કવાયત  હાથ ધરી છે.




Google NewsGoogle News