હરિયાણામાં ચૂંટણીની ફરજ પર ગયેલા વડોદરાના હોમગાર્ડ પર પોલીસનો હુમલો,સ્થાનિક પ્રજા મદદે આવી
વડોદરાઃ વડોદરાની હોમગાર્ડની ટીમના જવાનને હરિયાણામાં સ્થાનિક પોલીસે માર માર્યો હોવાનો બનાવ ચર્ચામાં આવ્યો છે.હોમગાર્ડ વિભાગના અધિકારીએ આ બનાવની તપાસ કરાવી છે.
વડોદરામાં તાજેતરમાં લોકસભાની ચૂંટણીના મતદાન વખતે ફરજ બજાવવા માટે બહારના રાજ્યોમાંથી આવેલી પોલીસ અને અર્ધ લશ્કરી દળો વડોદરા પોલીસે કરેલી સરભરાથી ખુશ થયા હતા અને વડોદરા પોલીસ તેમજ ગુજરાત પોલીસના ભરપેટ વખાણ કર્યા હતા.
તો બીજીતરફ બહારના રાજ્યોમાં કેટલીક વખત ગુજરાતની પોલીસ સાથે અસહકારના બનાવો બનતા હોય છે. વડોદરાના એક હોમગાર્ડ જવાન સાથે હરિયાણામાં આવો જ વર્તાવ થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ,બાજવા હોમગાર્ડ યુનિટના જવાનોને હરિયાણામાં ચૂંટણી કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા.જે દરમિયાન હરિયાણા પોલીસે એક હોમગાર્ડ જવાન સાથે તકરાર કરી હાથાપાઇ કરી હતી.જો કે આ બનાવ બન્યો ત્યારે હરિયાણાના સ્થાનિક લોકો હોમગાર્ડ જવાનની તરફેણમાં આવ્યા હતા અને હરિયાણા પોલીસનો હુરિયો બોલાવ્યો હતો.હોમગાર્ડ વિભાગના ઉચ્ચ અધિકારીએ આ બનાવની તપાસ કરી રિપોર્ટ માંગ્યો છે.