Get The App

વિશ્વ આદિવાસી દિવસ પહેલાં હત્યાની ઘટનાથી ચકચાર ગરુડેશ્વરમાં આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોને બાંધી માર મારતા ૧નું મોત

મ્યુઝિયમમાં કામ કરતા શખ્સોએ ચોરી કરવા આવેલા બંનેને ગોંધી રાખ્યા ઃ તમામ છ હુમલાખોરોની ધરપકડ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
વિશ્વ આદિવાસી દિવસ પહેલાં હત્યાની ઘટનાથી ચકચાર  ગરુડેશ્વરમાં આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોને બાંધી  માર મારતા ૧નું મોત 1 - image

રાજપીપળા તા.૭ નર્મદા જિલ્લામાં કેવડિયાકોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિયમ વિશ્વ આદિવાસી દિવસના એદ દિવસ પહેલાં  વિવાદમાં આવ્યું છે. મ્યુઝિયમમાં કામ કરતાં છ શખ્સોએ મોડી રાત્રે બે વ્યકિતને મારક હથિયારોથી માર મારતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે એટ્રોસિટિ એક્ટ સહિતની વિવિધ ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામે નીચલા ફળિયામાં રહેતો જયેશ શનાભાઇ તડવી અને ગભાણા ગામે નીચલા ફળિયામાં રહેતો સંજય ગજેન્દ્રભાઇ તડવી બંને ગઇરાત્રે આદિવાસી મ્યુઝિયમમાં ગયા હતાં. આ વખતે બંને ચોરી કરવા માટે આવ્યા છે તેવી શંકા રાખી મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બંનેને પકડી લઇ હાથ બાંધી દીધા હતા અને બાદમાં એક રૃમમાં લઇ જઇ બંનેને પ્લાસ્ટિકની પાઇપ, લાકડી તેમજ ગરદાપાટુ માર માર્યો હતો.

આ ઘટના બાદ બંનેને સારવાર માટે ગરૃડેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ત્યાં જયેશ તડવીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગરૃડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા  હતાં. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું  હતું કે આ ઘટનામાં અમે હુમલો, એટ્રોસિટિ તેમજ અન્ય ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી મ્યુઝિયમમાં કામ કરતાં માર્ગિશ ધીરપડા, દેવલ પટેલ, દીપકકુમાર યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તાની ધરપકડ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે જે લોકો ઝડપાયા છે તેમાંથી બે શખ્સો પંચમહાલ જિલ્લાના જ્યારે અન્ય આરોપીઓ અન્ય રાજ્યના છે.

આ અંગે ઇજાગ્રસ્ત સંજય તડવીની ફરિયાદ ગરૃડેશ્વર પોલીસે નોંધી હતી જેમાં જણાવ્યું હતું કે હું અને મારો મૃત મિત્ર જયેશ બંને મ્યુઝિયમની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા પડયા  હતાં તેના ટુકડા ભંગારમાં વેચીને પૈસા મળશે તેવી લાલચમાં ચોરી કરવાનું વિચારીને ત્યાં ગયા હતા ત્યારે હુમલાખોરોએ અમને ઝડપી પાડી જાતિવિષયક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો.




Google NewsGoogle News