ગણેશોત્સવના પહેલા જ દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઇ

ભગવાનને ચઢાવેલી માળા, ડમરૃ, અને આરતીની થાળીમાં મૂકેલા ભેટના રોકડા રૃપિયાની ચોરી જનાર સીસીટીવીમાં દેખાયો

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ગણેશોત્સવના પહેલા જ દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઇ 1 - image

વડોદરા,દાંડિયા બજાર વિસ્તારના ત્રણ યુવક મંડળોની ગણપતિની મૂર્તિઓ ખંડિત થઇ જતા  ઔભક્તોની લાગણી દુભાઇ છે. આજે સવારે આ બનાવની જાણ થતા યુવક મંડળોના આયોજકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.  ગણેશ ઉત્સવના પ્રથમ દિવસે જ આવી ઘટના બનતા શહેરમાં આ બનાવ અંગે ચકચાર મચી ગઇ છે.

ગણેશ ચતુર્થીથી શહેરમાં ધામધૂમથી ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવ પૂર્વક સ્થાપન કરવામાં આવ્યું છે. ગઇકાલથી શહેર ગણેશમય બન્યું છે. આજે સવારે દાંડિયાબજાર રણછોડ યુવક મંડળના યુવકોએ સવારે દશ વાગ્યે જ્યારે પંડાલનો પડદો હટાવ્યો ત્યારે તેઓના હોંશ ઉડી  ગયા હતા. ગઇકાલે જ સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ખંડિત થઇ  ગઇ હતી. માટીની મૂર્તિ હોઇ તે પુન ઃ સ્થાપિત થઇ શકે તેમ નહતી. આ બનાવ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જતા સ્થાનિક કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ ઘટના સ્થળે દોડી ગયા હતા. મુખ્ય મૂર્તિ ખંડિત થઇ ગઇ હતી. જ્યારે સ્થાપનાની મૂર્તિ તેના મૂળ સ્થાનેથી હટાવી દેવામાં આવી હતી. આરતીની થાળીમાં મૂકેલા ભેટના પૈસા ગાયબ હતા. ત્યાંથી થોડે દૂર આવેલા પ્રગતિ  યુવક મંડળની મૂર્તિ પણ ખંડતિ થઇ ગઇ હતી. ભગવાનને ચઢાવેલી માળા અને પૈસાની ચોરી થઇ હતી. ખાડિયા પોળમાં મૂર્તિની સૂંઢને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાંથી પણ ડમરૃની ચોરી થઇ હતી. 

એકસાથે ત્રણ યુવક મંડળોની મૂર્તિ ખંડિત થતા લોકોમાં નારાજગી હતી. ત્યારબાદ નજીકમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરા જોતા વહેલી સવારે એક શખ્સ સાયકલ પર આવતો દેખાયો હતો. આ શખ્સની  હાજરી ત્રણેય યુવક મંડળના પંડાલ પાસે જણાઇ આવી હતી. તેણે જ પૈસાની લાલચમાં ત્રણેય યુવક મંડળોની મુખ્ય મૂર્તિ ખંડિત કરી હતી. તેમજ સ્થાપનાની મૂર્તિ મૂળ સ્થાનેથી હટાવી દીધી હતી.


ગણેશ પંડાલમાં ચોરીના ઇરાદે ઘૂસેલો યુવક ઝડપાઇ ગયો

ત્રણેય પંડાલોમાંથી માત્ર ૫૦ રૃપિયાની ચોરી કરી પણ આખુ તંત્ર દોડતું થઇ ગયું

વડોદરા,શહેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ગણેશ પંડાલમાં ચોરીના ઇરાદે ઘૂસી મૂર્તિઓ ખંડિત કરનાર આરોપી ઝડપાઇ જતા પોલીસે હાશકારો અનુભવ્યો છે.

એકસાથે ત્રણ યુવક મંડળોમાં મૂર્તિ ખંડિત થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. ડીસીપી ઝોન - ૨ અભય સોની દ્વારા રાવપુરા  પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના આધારે રાવપુરા પોલીસે તપાસ શરૃ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર આરોપી કૃણાલ વિનોદભાઇ ગોદડિયા (રહે. ગોદડિયા વાસ, નવાપુરા)ને ઝડપી  લીધો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, કૃણાલ ચોરીના ઇરાદે ગણેશ પંડાલોમાં ગયો હતો. તેને ખ્યાલ હતો કે, યુવકો આરતીમાં આવેલા છૂટ્ટા  પૈસા મૂર્તિની નીચે રાખતા હોય છે. જેથી, પેસા કાઢવાના ઇરાદે મૂર્તિ હટાવવાની કોશિશમાં મૂર્તિઓ ખંડિત થઇ હતી. આરોપીએ ત્રણેય પંડાલોમાંથી માત્ર ૫૦ રૃપિયાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.


ખંડિત મૂર્તિનું વિસર્જન કરી નવી મૂર્તિની સ્થાપના કરાઇ

 વડોદરા,વોર્ડ પ્રમુખે જણાવ્યું હતું કે, શરૃઆતમાં અમને એવું લાગ્યું કે, કોઇ પ્રાણીએ નુકસાન પહોંચાડયું હતું. આરોપીએ મુખ્ય મૂર્તિની પાછળનો પીઠનો ભાગ આખો ખંડિત કરી દેવામાં આવ્યો હતો. રણછોડ યુવક મંડળના યુવકોએ તાત્કાલિક ખંડિત મૂર્તિના વિસર્જનનો નિર્ણય લીધો હતો. બપોરે ત્રણ વાગ્યે નવલખી કૃત્રિમ તળાવ ખાતે મૂર્તિનું વિસર્જન કર્યુ હતું અને નવી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.


મૂર્તિઓની સાચવણી માટે હવે સિક્યુરિટી તૈનાત કરાશે

વડોદરા,સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, રણછોડ યુવક મંડળની આખી મૂર્તિ માટીની છે. જેથી,તે રિપેર થઇ શકે તેમ નહતું. જ્યારે અન્ય યુવક મંડળની મૂર્તિઓ રિપેર થઇ શકે ેતેમ હોવાથી તેને રિપેર કરવામાં આવી હતી. આવા બનાવના પગલે હવે રોજ રાતે શ્રીજીની મૂર્તિ સાચવવા માટે યુવકો ઉજાગરા કરશે. જ્યારે અન્ય કેટલાક યુવક મંડળોએ આ ઘટનાના પગલે સિક્યુરિટી જવાનને તૈનાત કરવાનું નક્કી કર્યુ છે.


ત્રણ થી ચાર વખત આવીને પૂછી ગયો કે, ક્યારે સ્થાપના થશે ?

 વડોદરા,સાયકલ સવાર યુવક છેલ્લા ત્રણ ચાર દિવસથી ગણેશ પંડાલોની આજુબાજુ આંટા  ફેરા મારતો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ સ્થાપનાના આગલા દિવસે પણ તે અવાર - નવાર પંડાલો પાસે આવીને પૂછતો હતો કે, ક્યારે મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. સીસીટીવીના ફૂટેજમાં કેટલાક  યુવકોએ તેને ઓળખી બતાવ્યો હતો. યુવકનો ઇરાદો માત્ર ચોરી કરવાનો હોવાનું હાલના તબક્કે જણાઇ આવે છે.



Google NewsGoogle News