વડોદરામાંં ત્રીજા દિવસે શ્રીજી વિસર્જનની પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ
સુરતમાં પથ્થરમારાની અને વડોદરામાં મૂર્તિ ખંડીત થવાની ઘટના બાદ પોલીસ સતર્ક
વડોદરા : વડોદરામાં ધામધૂમથી ઉજવાઇ રહેલા મહામહોત્સવ 'ગણેશોત્સવ'નો આજે ત્રીજો દિવસ હતો. ગણેશ સ્થાપનાના દોઢ દિવસે, ત્રીજા દિવસે, પાંચમાં દિવસે, સાતમાં દિવસે અને ૧૦માં દિવસે વિર્સજન થતું હોય છે તે પરંપરા અનુસાર આજે ત્રીજા દિવસે સેંકડો ભાવીકોએ તેમને ત્યાં સ્થાપિત મોંઘેરા મહેમાન દુંદાળા દેવને વિદાય આપી હતી.
નવલખી સહિત 9 કૃત્રિમ તળાવોમાં વિર્સજનની વ્યવસ્થા, નાની- મોટી ક્રેન અને તરાપાઓ સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત
ગણેશોત્સવ દરમિયાન સુરત અને વડોદરામાં શાંતિનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો હોવાથી આજે વિસર્જન યાત્રાઓ દરમિયાન અને તળાવો ખાતે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઉપરાંત પ્રતિમાઓનું યોગ્ય રીતે વિસર્જન થાય તે માટે દરેક તળાવો ઉપર નાની મોટી ક્રેન અને તરાપાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેની સાથે ફાયર બ્રિગેડના પાંચ જવાનો પણ તૈનાત કરાયા છે.
વડોદરામાં નવલખી ગ્રાઉન્ડમાં સૌથી મોટુ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યુ છે આ ઉપરાંત ગોરવા દશામાના મંદિર નજીક આવેલા તળાવમાં, ખોડિયાર નગર કૃત્રિમ તળાવમાં, હરણી કૃત્રિમ તળાવમાં, લેપ્રસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવમાં, સમા કૃત્રિમ તળાવમાં, માંજલપુર કૃત્રિમ તળાવમાં, સોમા તળાવ રિંગરોડ નજીક કૃત્રિમ તળાવમાં અને ગોત્રી ભાયલી રોડ ખાતે કૃત્રિમ તળાવમાં પણ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.